Archive for ઓગસ્ટ, 2009

બાળપણ ના સંભારણા

Posted on ઓગસ્ટ 26, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , |

વ્હાલા વાંચક મિત્રો,
જયસીયારામ,
આજે જે ગીત હું આપની સમક્ષ રજુ કરુંછું,તે નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી એ તેમના નાટક ‘સંપતિ માટે’માં લખેલું છે.મોતીબાઈ ના કંઠે ગવાતું આ ગીત ના ૧૦-૧૦ વાર વન્સમોર થતા હતા અને નાટક પરોઢિયે ૪ વાગ્યે પૂરું થતું હતું. ૧૯૪૧ માં લખાયેલું આ ગીત વાંચી હજી આજેપણ આપણે શૈશવ (બાળપણ)ની યાદોમાં સરકી જઇએ છીએ. જો આપના ઘર માં દાદા-દાદી હોય તો તેમને આ ગીત વંચાવવા વિનંતી.

સાંભરે  રે,   બાળપણના    સંભારણા

જાણે ઉઘડતા જીવનના બારણા,

એ બાળપણના સંભારણા ……

 

ફૂલસમાં        હસતા —-   ખીલતાંતા

પવન સમા લહેરાતા

ગાતાતાં  —    ભણતાતાં —   મસ્તીમાં

મસ્ત મનાતાં

ચ્હાતાંતાં વિદ્યાના વારણાં

એ બાળપણનાં સંભારણા…..

 

રખેને     બોલ્યું   કોઈ  સાંભળશે

એની ચિંતા નહોતી

ભય નહોતો  —-        મદ નહોતો

પ્રીતિ ની પીડા નહોતી

નહોતી કોઈ ઝાઝી વિચારણા

એ બાળપણનાં સંભારણા…..

 

કોઈ    અજાણ્યા      નરને      હોંશે

પ્રિયતમ કહેવું પડશે

વણમુલે વણવાંકે,દાસી થઇ રહેવું પડશે

નહોતી મેં ધારી આ ધારણા

એ બાળપણનાં સંભારણા…..

 

Advertisements
Read Full Post | Make a Comment ( 1 so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 24, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.

Read Full Post | Make a Comment ( None so far )

‘ધનવાન જીવન માણે છે'(સંપતિ માટે)

Posted on ઓગસ્ટ 23, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ:, , , , |

જયસીયારામ

આજે આપની સમક્ષ જે ગીત રજુ કરુંછું તે ગીત નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદીએ ઈંસ.૧૯૪૧ માં શ્રી દેશી નાટક સમાજ ના ‘સંપતિમાટે’ નામના નાટક માટે લખેલ હતું.આ નાટકે સળંગ ૩૩૫ દિવસ સુધી હાઉસફૂલ કરી એક ઇતિહાસ રચ્યો હતો જેમાં આ ગીત નો ફાળો બહુજ વધારે હતો .

મારા પિતા સ્વ.શ્રી બાબુભાઈ સાતાએ આ નાટક ૩૮ વાર જોયેલું. ઘણીવાર આ નાટક જોવામાટેજ ખાસ રાજકોટ થી મુંબઈ ગયેલા તે મને સાંભરે છે.આજે તેમને બહુજ ગમતા ગીતોમાંથી એક તેમની યાદરૂપે આપની સમક્ષ રજુ કરું છુ

ધનવાન જીવન માણે છે,

નિર્ધન એ બોજો તાણે છે,

કોઈ અનુભવીને પૂછી જો ,

કે, કોણ જીવી જાણે છે,

                 બેહાલ ગરીબનાં  બાલુડા

                પૈસે પૈસે હોય ટળવળતા

                ખાવાનું ત્યાં ખાનાર કેરી

                 ખોટ   આંસુ   સારે  છે,

                 નિર્ધન એ બોજો તાણે છે…….

 નારી ગરીબ દળણા દળતી

ધનવાળી  હિરે ઝળહળતી.

હીરા,    મોતીવાળી   રોતી–

એનો કંથ વિલાસો માણે છે,

નિર્ધન એ બોજો તાણે છે…….

               ગુણ દોષ ભલે હો ધનમદમાં

              પણ નમતા પલ્લા સંપદના ,

              સુખ, સંપદના,સુખના વલખા,

              જનસંતોષી સુખ માણે છે,

              નિર્ધન એ બોજો તાણે છે…….

 

ગાનારા પાત્રો :નીરા,અંબુજા

Read Full Post | Make a Comment ( None so far )

ગણતરીના એક્કા અમદાવાદી

Posted on ઓગસ્ટ 23, 2009. Filed under: દિવ્યભાસ્કર |

અમદાવાદ માત્ર સીદી સૈયદની જાળી કે ત્રણ દરવાજાથી જ નહીં પરંતુ તેના લોકોથી પણ ઓળખાય છે. જે રીતે સદીઓથી આ ઇમારતો અડીખમ છે તે જ રીતે સંખ્યાબંધ પેઢીઓ પછી પણ અમદાવાદીઓની કેટલીક લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. જયેશ અઘ્યારુ આ લાક્ષણિકતાઓનો મજેદાર પરિચય કરાવે છે….

જો ક જૂની પણ રિલેવન્ટ છે. એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. દૂર કાઠિયાવાડ બાજુથી આવેલા એક કાકાએ બારીમાંથી એક વ્યકિતને પૂછ્યું, ‘ભાઈ, આ કયું ટેશન આવ્યું?’ પેલા ભાઈ કહે, ‘કાકા, પાંચ રૂપિયા આલો તો કહું.’ કાકા કહે, ‘ઓહો, તો તો નક્કી અમદાવાદ જ હશે!’

દૂધની કેટલી થેલીઓ ભેગી કરીએ અને ભંગારમાં આપીએ, તો સરવાળે કેટલા દિવસનું દૂધ ફ્રી મળે? છાપાંની કૂપનો કાપીને ચોંટાડીએ અને ફ્રી ગેરંટેડ ગિફ્ટ લઈએ અને ઉપરથી પસ્તીવાળાને છાપાં આપીએ, તો સરવાળે છાપું ‘ફ્રી’ થાય? અને એના કરતાં કોઈ મોલમાં ચાલતી પચીસ રૂપિયે કિલોવાળી ઓફરમાં પસ્તી આપીએ તો ફાયદો થાય કે નહીં? કઈ કંપનીના શેર ખરીદીએ, તો મ્યુરયુઅલ ફંડ કરતાં પણ વધારે ફાયદો થાય?

આખા દિવસ દરમિયાન ગામમાં ફરવાનું છે, એટલે ૨૦ રૂપિયાવાળી ટિકિટ ખરીદીએ તો ફાયદો થાય કે નહીં? અત્યારે કયા મોલમાં સૌથી સારી અૉફર્સ ચાલે છે? એમાં અમુક તમુક રૂપિયાની ખરીદી કરીએ, તો કેટલા રૂપિયાનો ફાયદો થાય એમ છે? ‘મફત પાણીની પરબ’ કે કોઈ વડાપાંઉની દુકાને મેનુ કાર્ડની નીચે ‘ફ્રીઝ કોલ્ડ પાણી એકદમ ફ્રી’ જેવા શબ્દો આ વિશ્વમાં અમદાવાદ સિવાય બીજે કયાંય વાંચવા નો’ મળે!

મહેનતુ : મોંઘવારી કેટલી છે ખબર છે?

એક ઓબ્ઝર્વેશન કહે છે કે ગુજરાતના કોઈ પણ શહેર કરતાં અમદાવાદમાં સાઇડકારવાળા સ્કૂટરોની સંખ્યા વધારે છે. કદાચ એટલા માટે કે અહીંના લોકોના સાઇડ બિઝનેસ પણ વધારે છે! શેરબજાર-મ્યુરયુઅલ ફંડમાં રોકાણ, રિયલ એસ્ટેટ, મિનરલ વોટર, અથાણાં-મસાલા-પાપડ-નમકીનનો ગૃહઉધોગ, મોબાઇલ, કમ્પ્યૂટર, લાઇફ ઇન્સ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ, ડિમેટ એકાઉન્ટ, એનજીઓ… મુખ્ય વ્યવસાય કોઈ પણ હોય, સાઇડ બિઝનેસ કરવો એ અમદાવાદીના જનીનમાં છે. કારણ સાફ છે, નવરા બેસવું આપણને પાલવે નહીં! એટલેસ્તો સવારના પહોરમાં આઠ વાગ્યામાં પણ ભરચક ટ્રાફિક જૉવા મળે.

ગુજરાતના અન્ય ગામોની જેમ અહીં બપોરે બે ઘડી ‘લંબાવવા’નો રિવાજ નથી. હવે તો મોલ મેનિયાએ નાના રિટેલરોની ઊંઘ ઉડાડી છે અને કોર્પોરેટ સેકટરમાં કામ કરતા પ્રોફેશનલ્સની સંખ્યા વધી હોઈ ‘સન્ડે કલોઝ્ડ’ના પાટિયાં ડાયનોસોરની જેમ લુપ્ત થઈ ગયા છે.

જલસા: દિલ ફાડીને ઉજવણી

‘શાદી, ઉત્સવ યા ત્યૌહાર, મૌજ હી મૌજ હો હર બાર!’ અમદાવાદની જલસાપ્રિયતા માટે સ્લોગન બનાવવું હોય, તો કંઈક આવું બનાવી શકાય! ઉત્તરાયણમાં આકાશમાં રંગોળી કરી હોય એટલી પતંગો ઊડતી જૉવા માટે ખાસ ગામેગામથી લોકો અમદાવાદ આવે એ જગજાહેર વાત છે.

સો-સોના હિસાબે (જાતભાતના ઇન્ટરેસ્ટિંગ નામોવાળી) પતંગો લઈલઈને ધાબે ચડી જવાનું. મ્યુઝિક પ્લેયરો અને નવા જમાનાના ડી.જે. તરીકે ઓળખાતા નચાવનારાઓના તાલે સંગીત નામે ઓળખાતો કર્ણપ્રિય ઘોંઘાટ કરવાનો. સાથે ઊંધિયું, તલસાંકળી, ચિક્કી એટસેટરાની જયાફતો. કોઈની પતંગ કાપી કે ‘કાઇપો છે’ની બૂમાબૂમ!

અનુભવીઓ કહે છે કે અમદાવાદમાં નવરાત્રિમાં કયારેય કોઈ છોકરીના પ્રેમમાં ન પડવું. કેમ કે ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક છોકરી બ્યુટીફુલ લાગતી હોય છે! (ઘડિયા લગ્નો લેવા આવતા એન.આર.જી. બંધુઓ ઘ્યાન આપે!) પરંતુ નવરાત્રિમાં આખું અમદાવાદ યુવાન થઈ જાય. ચણિયાચોળી અને ચોરણી-કેડિયાનું જાણે પૂર આવે, અને પાર્ટીપ્લોટો હાઉસફુલ થઈ જાય. દરેક રસ્તા પર ટ્રાફિકજામ. મોટેરાં વળી શેરીગરબામાં હાથ અજમાવી લે.

ડિટ્ટો, દિવાળીનું. એટલા ફટાકડા ફૂટે કે ટ્રાફિકનો ધુમાડો લઘુતાગ્રંથિ અનુભવવા લાગે! અષાઢી બીજની રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોસાળે જઈને ધેર પાછા ફરે એટલે કેટકેટલા મનુષ્યોને હાશકારો થાય! કારણ કે લાખોની મેદની પ્રભુના દર્શન માટે એકઠી થઈ હોય. હવે ઈશ્વર તો માને પણ એના ભકતો સાચવવા કપરા પડે!

દેશી હોય કે વિદેશી, ઉત્સવો ઊજવવા જોઈએ. ફોર એકઝામ્પલ, ન્યૂ યર. ‘થર્ટી ફસ્ર્ટ’ની રાત્રે સી.જી. રોડ પર તમે આળસ ન મરડી શકો, કેમ કે હાથ પહોળા કરવાની જગ્યા જ ન હોય. અમદાવાદની કોઈ પણ જાણીતી કલબમાં પણ એવો જ આલમ હોય!

ખાણી પીણી : ખાએ જાઓ ખાએ જાઓ

અરે બકા, જીવવાનું છે શેને માટે? ખાવા માટે સ્તો! સારું ખાધુંપીધું નહીં તો શું જીવ્યા? સવારના પહોરમાં કટિંગ ચા સાથે ફાફડા – જલેબીથી દિવસ ચાલુ કરવાનો. પછી જમીએ ત્યાં સુધી કટિંગના દોર ચાલ્યા કરે. બપોરે ટેસથી દાબીને ખાધું હોય, તો સાંજ આરામથી પડે. સાંજે યાર – દોસ્તો ભેગાં મળ્યા હોય, તો વડાપાઉં, દાબેલી, સેન્ડવિચ થઇ જાય.

એની ટાઇમ કટિંગ ટાઇમ! એટલે એય ને પાછી કિટલીએ કટિંગ ચાની ચુસ્કીઓ ચાલે. સાંજે વસ્તી કરીને ધેર ખાવાનું તો હોય જ. રવિવારે તો કમ્પલસરી ઘરે રસોડું બંધ એટલે બંધ. અરે, શહેરમાં આટઆટલાં રેસ્ટોરાં, ડાઇનિંગ હૉલ, પંજાબી-ચાઇનીઝની રોડસાઇડ લારીઓ કોના માટે ખૂલે છે?! સન્ડે તો લિટરલી કોઈ પણ લારી-ખૂમચાવાળો નવરો ન બેઠો હોય.

ખાસ કરીને અમદાવાદી ગલ્ર્સર્ તો પાણીપૂરી, સોરી, પકોડીની લારી જોઈ નથી કે ‘ભઈ, પાંચની બનાવજો ને!’ કીધું નથી. બાય ધ વે, અગેઇન અમદાવાદ જ કદાચ એકમાત્ર એવું શહેર હશે કે જયાં મોટા ભાગની ફેવરિટ ખાણીપીણી બ્રાન્ડેડ હશે. ફોર એકઝામ્પલ ચા ઋતુરાજ, પી.સી. પોઇન્ટ, વિજય, રામભાઈ, નહેરુનગર, એચ.એલ.ની કિટલીઓની, સેન્ડવિચ લકીની, ગાંઠિયા તો ગાંઠિયા રથના, કોલ્ડ્રિંકસ તો ગિરીશનું, વડાપાંઉ આર.કે.-બોમ્બે વડાપાંઉનાં, ભાજીપાંઉ ઓનેસ્ટના, ઢોંસા સંકલ્પના, આઇસક્રીમ જનતાનો, હા, ગુજરાતી થાળી માટે ઘણા વિકલ્પો છે.

આ બધું પૂરતું ન હોય એમ અમદાવાદમાં માણેક ચોક અને લો ગાર્ડન નામની ખાણીપીણીની ગંગોત્રી તો છે જ! કોઈ પણ ઇન્ટરનેશનલ વાનગી-ડીશનું ટોટલ દેશી વર્ઝન લાવવામાં પણ આપણને કોઈ ન પહોંચે. બોલો, ચાઇનીઝ પાતરાં, ચાઇનીઝ ખમણ, ચાઇનીઝ સમોસા, ફરાળી સેન્ડવિચ, ફરાળી પિત્ઝા ઇત્યાદિ વેરાયટીઓ બીજે કયાંય ખાધી છે?! અને હા, આ દરેક વાનગીઓના ‘જૈન વર્ઝન’નું મેનુ તો અલગથી, હં કે!

પ્રવાસ: મુસાફિર હું યારોં

અમદાવાદમાં ને અમદાવાદમાં ફરવું હોય, તો શોપિંગમોલ જેવી બેસ્ટેસ્ટ જગ્યા એકેય નહીં. એટલીસ્ટ, મફત ઠંડકમાં ફરવા તો મળે! પણ વાત જયારે છેટે ફરવા જવાની હોય, ત્યારે મામલો જરા સંગીન બને છે. મહુડી, માઉન્ટ આબુ, શ્રીનાથજી, શિરડી, શનિ શિંગણાપુરથી લઈને નૈનિતાલ, શિમલા, કુલુ-મનાલી, કોડાઇકેનાલ, કન્યાકુમારી અને હવે તો સિંગાપોર, હોંગકોંગ, ન્યુ જર્સી, કેનેડા, લેસ્ટર, સિડની… આ ધીંગી ધરા પર ગમ્મે ત્યાં જાઓ, કાને ‘કાં બકા, તું અહીં શું કરું છું?’નો લહેકો સંભળાયા વિના રહે જ નહીં! ખાખરા, થેપલાં, અથાણું ભરીને મણના હિસાબે બિસ્તરાં-પોટલાં સાથે પ્રવાસમાં ઊપડી જવું એ આપણો અલ્ટિમેટ શોખ.

યાર-દોસ્તોની ટોળીઓમાં કે ટ્રાવેલ કંપનીઓની કંડકટેડ ટૂરોમાં કોઈ શાંતિલાલ, કોકિલાબહેન કે નિમુમાસીનો જિગ્નેશ મળે જ મળે. આપણે ગમ્મે ત્યાં જઈએ, પણ ત્યાં ખાવાનું વ્યવસ્થિત જોઈએ. પેરિસ હોય તો શું થયું, ગુજરાતી થાળી વિના આપણને સંતોષ ન વળે!

દિવ્યભાસ્કર માંથી સાભાર

Read Full Post | Make a Comment ( None so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 22, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

સફળતાની સીડી ચડવા માટે તમને આખી સીડી દેખાય તે જરૂરી નથી.પહેલા એક ડગલું શ્રદ્ધાપૂર્વક ચડો,આગળના ડગલા આપમેળે સ્પષ્ટ થતા જશે. તમે જેમ-જેમ પગથીયા ચડતા જશો તેમ-તેમ તમારી સાથેના લોકો ઓછા થતા જશે અને કઠીનાઈઓ વધતી જશે.

Read Full Post | Make a Comment ( None so far )

મીઠી માથે ભાત

Posted on ઓગસ્ટ 22, 2009. Filed under: વિઠ્ઠલરાય આવસત્થી, સાહિત્ય |

મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા પટેલ દંપતીની વાત. એમને એક સુંદર પુત્રી – નામે મીઠી. રોજ બપોરે ભોજન માટે આવતા પિતાને કોઈ કારણોસર આવવામાં મોડું થયું તો પોતાની માતાની રજા લઈ એમને ખેતરે ભાત આપવા માટે નાનકડી મીઠી નીકળે છે. ખેતરે જતાં વચ્ચે સીમમાં શિયાળ, વાઘ અને વરુનો ભય રહેતો. મીઠીની કમનસીબી કે એને રાની પશુનો ભેટો થયો અને કાળનો ક્રૂર પંજો એના પર ફરી વળ્યો. સાંજે પટેલ ઘરે પાછા આવીને મીઠીને સાદ કરે છે ત્યારે પટલાણીને ધ્રાસ્કો પડે છે કે મીઠી ક્યાં ગઈ હશે ? પોતાની વહાલસોયી મીઠીને શોધવા નીકળેલ પટેલ દંપતીને ઝાંખરામાં એની ઓઢણીની નિશાની મળતાં થતી વ્યથાનું હૃદયદ્રાવક વર્ણન આપણને હચમચાવી જાય છે. કરુણરસ સભર આ કૃતિ આજે માણીએ.

(દોહરો)
ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

(ભુજંગી)

કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.’

હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.’’

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’

કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોચી ઘર પાંચો કરે ‘મીઠી ! મીઠી !’ સાદ :
‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.’

પટલાણી આવી કહે : ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.

‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.

‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !

નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
‘મીઠી ! મીઠી !’ નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત

– વિઠ્ઠલરાય આવસત્થી

Read Full Post | Make a Comment ( None so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 22, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

ઘણીવાર આપણે બંધ થઇ ગયેલા બારણા સામે એટલી બધી વાર આંસુ સારતા બેસી રહીએ છીએ કે બીજી તરફ ખૂલેલું બારણું જોવામાં અને ત્યાં સુધી પહોચવામાં ખુબજ મોડું થઇ જાય છે.

Read Full Post | Make a Comment ( None so far )

ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી

Posted on ઓગસ્ટ 21, 2009. Filed under: ઝવેરચંદ મેઘાણી, સાહિત્ય | ટૅગ્સ: |

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?

બાવળના જાળામાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડતણાં પાંદડલાં કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌ એ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગીબીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચા ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બહાદરઊઠે!

બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ઘરઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઇ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે

જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે!

ગીરના કુત્તા ઊભો રે’જે!

કાયર દુત્તા ઊભો રે’જે!

પેટભરા ! તું ઊભો રે’જે!

ભૂખમરા ! તું ઊભો રે’જે!

ચોર-લૂંટારા ઊભો રે’જે!

ગા-ગોઝારા ઊભો રે’જે!

ચારણ—કન્યા !

ચૌદ વરસની ચારણ કન્યા

ચૂંદડિયાળી ચારણ કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ—કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદંબા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો

સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!

 

**1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”

દુલા કાગ

Read Full Post | Make a Comment ( 2 so far )

કહેવતોમાં આરોગ્‍ય

Posted on ઓગસ્ટ 21, 2009. Filed under: આરોગ્ય | ટૅગ્સ:, |

ફરે તે ચરે ને બાંધ્‍યું ભૂખે મરે.
ચેતતો નર સદા સુખી.
અન્ન એવો ઓડકાર.
કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી.
કડવું ઓસડ મા જ પાય.
જાગ્‍યા ત્‍યારથી સવાર.
જેટલા ભોગ તેટલા રોગ.
જ્યાં સુધી ઘાસ ત્‍યાં સુધી આશ.
દુ:ખનું ઓસડ દહાડા.
ધીરજના ફળ મીઠાં.
પહેલું સુખ તે જાતે નર્યા.
મન ચંગા તો કથરોટમેં ગંગા.
વાવે તેવું લણે.
જોશીના પાટલે ને વૈદ્યના ખાટલે.
અન્ન તેવું મન, પાણી તેવી વાણી.
અન્ન પારકું છે પણ પેટ કંઈ પારકું નથી.
અલ્‍પાહારી સદા સુખી.
ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાયં,દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય.
ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે.
કેળાં માગે એલચી ને કેરી માંગે સૂંઠ.
ખાટી છાશ ઉકરડે જ ઢોળાય.
કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ.
ખાવામાં ન જુવે તે વ્‍હેલો ખાટ સુવે.
ગળ્યું જે નિત્‍ય ખાય તે વૈદ્ય પાસે જરૂર જાય.
ઘઉંની કણક જેમ કેળવો તેમ કેળવાય.
ઘેર દુજણું ને લુખું ખાય, એવો કોણ મૂરખ રાય.
ઘણીય ભૂખ લાગે પણ તેથી કંઈ બે હાથે ખવાય?
જાન બચી લાખો પયા.
થોડા ખાના, ખૂબીસે રહના.
દૂધ, પૌઆ ને ખીચડી ને ઉપર ખાધું દહીં,તાવે સંદેશો મોકલ્‍યો, જો ખાટલો પાથર્યો કે નહીં.
દૂધ, સાકર ને એલચી, વરીઆળી ને દ્રાક્ષ, જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્‍તુ રાખ.
પેટને પૂછીને ખાવું, જીભને નહીં.
બેઠું ખાય તે એઠું ખાય.
ભાવે તેટલું ખાવું નહીં ને આવડે તેટલું લખવું નહીં.
બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન;
ઘોડા ખાય તો ગઢ પડે, બુઢ્ઢા થાય જવાન.
મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ;
બે ચાર મહિના મને ખાય, તો માણસ ઊઠાડું માંદુ.
રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે.
રોગ ને શત્રુ ઉગતા જ ડામવા.
સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન.
સો દવા ને એક હવા.
સૂંઠ, સંચળ ને કાચકો, જે ખાય તેને ન આવે આંચકો.
હીંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ; જો ગાવાનો ખપ હોય તો પાંચેય વસ્‍તુ મેલ.
થોડું ખાઈએ તો સુખ ઉપજે, વધુ ડૉકટર લઈ જાય.
આંખે પાણી, દાંતે લુણ; પેટ ન ભરીએ ચારે ખૂણ.
અલ્‍પાહાર એ હંમેશનો અપવાસ છે.
રાત્રે વહેલા જે સૂવે,વહેલા ઉઠે વીર,બળ બુદ્ધિને ધન વધે,સુખમાં રહે શરીર

 

Read Full Post | Make a Comment ( None so far )

સુવિચાર

Posted on ઓગસ્ટ 21, 2009. Filed under: આજ નો સુવિચાર | ટૅગ્સ: |

ગઈ રાતે ગઈકાલ પૂરી થઇ ગઈ. આજની સવાર નવી શરૂઆત છે. ગઈકાલ ને ભૂલવાની કળા શીખીલો અને આગળ વધો.  ગઈકાલ ખરાબ હોય તો પણ અને સારી હોય તો પણ.

 

Read Full Post | Make a Comment ( None so far )

« Previous Entries

Liked it here?
Why not try sites on the blogroll...