ગાંઠિયા અને સૌરાષ્ટ્ર

Posted on ઓગસ્ટ 13, 2009. Filed under: ખાણી પીણી | ટૅગ્સ: |

 GATHIYA

સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને કોઈ ફિલ્મ કે ડોક્યુમેન્ટરી બનાવવાની હોય અને તેમાં સવારનું દ્રશ્ય ફિલ્માવવાનું હોય તો શું દર્શાવાય ? પાણીના બેડાં ઊંચકીને જતી ગ્રામ્ય નારીઓ ? દુધના ઠલવાતાં બોધેણા ? મંદિરમાં ચાલતી ધૂન ? મુસાફરોથી ભરચક છકડો રિક્ષા ? આ બધુ પણ દર્શાવાય પરંતુ સૌરાષ્ટ્રની સવારની સુગંધિત અને સ્વાદિષ્ટ એક ઓળખ છે ગાંઠિયા. ભલે એ ગુજરાતી ખાણું કહેવાય છે પરંતુ કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર તે તેના ‘અસલરંગ’ માં જોવા મળે છે. ગાંઠિયા સાથે અહીંના લોકોનું નોખું ગઠબંધન છે. કેટલાક લોકો માટે ગાંઠિયા ખાવા એ સૂર્યોદય જેવી નિયમિત ઘટના છે.
ગુજરાતીઓના જીવન તેલમાં જ તરે છે તેઓ આક્ષેપ બિનગુજરાતીઓ અને ડોક્ટરો કરે છે, તે સાચા પણ હશે – પરંતુ, લોકો અહીં ખાણીપીણીની બાબતમાં નરસિંહ મહેતાનું વલણ અપનાવે છે : ‘એવાં રે અમે એવા રે, તમે કહો છો વળી તેવાં રે….’ મુસીબતોની વચ્ચે ય મોજથી ખાવું એ અહીં જીવનમંત્ર છે અને એ મંત્રનો એક મોટો મૂળાક્ષર છે ગાંઠિયા. ગાંઠિયા એક પ્રોડક્ટ છે પરંતુ તેનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે. ફાફડાની બેન પાપડી પણ ખવાય છે. ભાવનગર પાસેના રંઘોળામાં ઝીણા ગાંઠિયા બને છે તે વખણાય છે. ચોકડી આકારના ગાંઠિયાનું નામ ‘ચંપાકલી’ સ્ત્રીલિંગમાં છે. ફાફડા અને વણેલા ગાંઠિયા ગરમ ખાવાનું ચલણ છે, ને બાકીના ગાંઠિયા ઘરે ડબ્બામાં ભરી રખાય છે.

અહીં દરેક શહેરમાં, પ્રાંતમાં, પેટા પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે ! રાજકોટમાં વણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે. રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે 200 ફાફડા…. એટલે કપાળેથી પરસેવો લૂછતાં અને બીજા હાથે તળેલાં મરચાં પર મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ, વણેલા જોઈએ તો તૈયાર છે !’ રાત્રે સાડા બારે ? હા, સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં રાત્રે 12.30, 2.30 કે સવારે 4.00 વાગે પણ ગાંઠિયા મળી શકે ! જૂનાગઢના કાળવા ચોકમાં રાત્રે સાડા ત્રણે ગાંઠિયા, આ લખવા માટે પેન પકડી છે એ જ જમણા હાથથી પકડીને ખાધા છે ને ધોરાજીમાંય એવી જ રીતે રાત્રે દોઢ વાગ્યે ગાંઠિયા પ્રાપ્ત છે. ગાંઠિયા માત્ર મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી, આઠે પ્રહરની ઊજાણી છે. પિત્ઝા અને બર્ગર ભલે અમદાવાદના બોપલ કે સૌરાષ્ટ્રના ઉપલેટા સુધી પહોંચી ગયા પરંતુ ગાંઠિયા પ્રત્યે પ્રીતિ યથાવત્ છે. વેકેશન ગાળવા ગયેલા ગુજરાતી પરિવાર દિલ્હીમાં સાંજે ચાટ અને પાઉંભાજી ભલે ખાય પણ ગુજરાતી સમાજની કેન્ટિનમાં તો “બે પ્લેટ ખમણ, ત્રણ પ્લેટ ગાંઠિયા અને બે ચ્હા” એવા જ ઑર્ડર અપાય છે.
લેટેસ્ટ ન્યુઝ એ છે કે ગાંઠિયા ખાવાની વસ્તુ સાથે રિસર્ચ કરવાની પણ વસ્તુ બની છે ! દુરદર્શનના રાજકોટ કેન્દ્રના નિયામક બાબાભાઈ પરમારને વિચાર આવ્યો કે ગાંઠિયા પર ડોક્યુમેન્ટરી ન બને ? અને બની ગઈ….. ગાંઠિયા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના ડૉ. મહેશ જોશી અને તેની ટીમે રિસર્ચ કર્યું તેના તારણો પણ ગાંઠિયા જેવા જ રસપ્રદ છે ! યુનિવર્સિટીએ જે સેમ્પલ સર્વે કર્યો તે મુજબ, ‘ભાવનગરી ગાંઠિયા મુંબઈમાં ઘાટકોપર, બોરીવલીમાં પણ મળે છે. ડર્બન, કેપટાઉન, મોમ્બાસા, કેન્યા અને લંડન વસતા લોકોની દાઢે પણ એ ચોંટ્યા છે. ભાવનગરમાં એક ફૂટ લંબાઈ હોય એવા ગાંઠિયા પણ બને છે. ફરસાણની દુકાનો, મગફળી, ડુંગરી-મરચાં ગાજર પકવતા ખેડૂતો માટે ગાંઠિયા રોજગારીનું માધ્યમ છે.’ ખરે, આ તો અભ્યાસુઓ માટેની વાત થઈ, પરંતુ વાત ખોટી નથી. લારીથી માંડીને મોટી મોટી દુકાનોમાં ગાંઠિયાનું ધમધોકાર વેચાણ છે. મોરારિબાપુ તો આખા ગાંઠિયાના પરિવારની વાત વિનોદમાં કહે છે. તેઓ કહે છે : “ગાંઠિયો પતિ, જલેબી મીઠી એટલે પત્ની (પણ જલેબી ગુંચળાવાળી હોય છે !) અને સંભારો મરચા તેના સંતાન – એમ જાણે કે ગાંઠિયા, મરચા અને સંભારાનું ટ્રસ્ટ રચાય છે !”
ગાંઠિયા સૌરાષ્ટ્રની પારિવારીક વાનગી છે, ફોક ફૂડ એટલે કે લોકખાણું છે. વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હોય છે. લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2007માં પણ અપાય છે. કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. જો કે, અન્ય વસ્તુઓની જેમ ફાફડા પેકેજિંગ હજુ એટલું શરૂ થયું નથી પરંતુ રાજકોટમાં બજરંગ ફરસાણે ફાફડાના પેકેટ શરૂ કર્યાં છે.
સૌરાષ્ટ્રમાં ગાંઠિયાની સાથે જ તેના ‘એડ ઑન’ ફૂડનું મહત્વ છે. એટલે જ દુકાનોમાં ગાંઠિયાના વજન પ્રમાણે જ સંભારો મળે છે કારણકે અહીં 200 ગ્રામ ગાંઠિયા સાથે 250 ગ્રામ સંભારો ચાવી જનારા શૂરવીરો પણ છે. નેતાઓ પણ અહીં ગાંઠિયા પ્રેમી છે. 70 કે તેથી વધુ વયના નેતાઓ અહીં 200 ગ્રામ ગાંઠિયા મોજથી ખાઈ શકે છે. ઘણા લોકોને ગાંઠિયામાં તબિયત બગડવાની શકયતા દેખાય છે ! અરે, તમારા પરમ પૂજ્ય પિતાશ્રીનો ભાલપ્રદેશ (મૂળઉક્તિ કપાળ તમારા….), પિત્ઝા, હોટડોગ, ફ્રેન્ચફ્રાઈ, બર્ગર કરતા ગાંઠિયામાં કેલેરી ઓછી હોય છે. ચંદ્રકાન્ત બક્ષીએ ગાંઠિયા વિશે લખ્યું હતું કે કાઠિયાવાડનો મહેનતકશ માણસ 100 ગ્રામ ગાંઠિયા ભરેલું મરચું સંભારો ખાઈને મહેનત કરવા ચાલ્યો જતો. ગાંઠિયો એ મહાન પ્રદાર્થ છે, જેણે આ ધરતીના શ્રમિકોની પેઢીઓને ગરીબીની રેખા નીચે પણ જીવતી રાખી છે. ગાંઠિયાનો સમાજવાદ કરોડપતિ અને કડકાને, મહાશ્રેષ્ઠિ અને મજદૂરને એક જ કતારમાં ઉભા કરી દે છે. ગાંઠિયાના શોધકે કાઠિયાવાડના દિશાહારા, વસ્તુહારા, સર્વહારાનું અર્થશાસ્ત્રનું ચલાવ્યું છે.
ગાંઠિયાનું ગણિત એવું કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રભવનના સર્વે મુજબ સૌરાષ્ટ્રમાં દુકાનોમાં પાંચ કિલોથી માંડીને 50 કિલો લોટના ગાંઠિયાનું દૈનિક વેચાણ થાય છે. ગાંઠિયાનું રૉ-મટીરીયલ, ચણાનો લોટ છે જેને કિંમત રૂ. 25 પ્રતિ કિલો, બેસનની કિંમત રૂ. 56ની છે અને ચણામાંથી ગાંઠિયા થતાં 300% મૂલ્યવૃદ્ધિ થાય છે. ફરસાણની દુકાનોમાં દૈનિક 10 કરોડની આવકનું સર્જન માત્ર ગાંઠિયાને કારણે થાય છે. જેને લીધે 15,000 લોકોને રોજગારી મળે છે !
તો વાચકમિત્રો, હવે સૌરાષ્ટ્ર તરફ આવો તો ગાંઠિયાનો સ્વાદ માણવાનું ચૂકશો નહિ…..!

                                                        (સૌજન્ય ;શ્રી જવલંત ભાઈ છાયા)

Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: