ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી

Posted on ઓગસ્ટ 21, 2009. Filed under: ઝવેરચંદ મેઘાણી, સાહિત્ય | ટૅગ્સ: |

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?

બાવળના જાળામાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડતણાં પાંદડલાં કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌ એ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગીબીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચા ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બહાદરઊઠે!

બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ઘરઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઇ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે

જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે!

ગીરના કુત્તા ઊભો રે’જે!

કાયર દુત્તા ઊભો રે’જે!

પેટભરા ! તું ઊભો રે’જે!

ભૂખમરા ! તું ઊભો રે’જે!

ચોર-લૂંટારા ઊભો રે’જે!

ગા-ગોઝારા ઊભો રે’જે!

ચારણ—કન્યા !

ચૌદ વરસની ચારણ કન્યા

ચૂંદડિયાળી ચારણ કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ—કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદંબા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો

સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!

 

**1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”

દુલા કાગ

Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

2 Responses to “ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી”

RSS Feed for જૂની રંગભુમી ના ગીતો –સંભારણા Comments RSS Feed

આ કવિતા અમારે ભણવામાં આવતી હતી …..ત્યાર થી મને ખુબ ગમતી હતી …….અને મેં ત્યારે કંઠસ્થ પણ કરી હતી ….પણ સમય જતા ભૂલી જવાઈ ….પણ આજે ફરી પછી તે યાદ આવી …..વાંચી ને ખુબજ આનંદ થયો …..તમારો ખુબ ખુબ અભાર …….

wow really superb,,,,,,,,,,,,,,,


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: