ગણતરીના એક્કા અમદાવાદી

Posted on ઓગસ્ટ 23, 2009. Filed under: દિવ્યભાસ્કર |

અમદાવાદ માત્ર સીદી સૈયદની જાળી કે ત્રણ દરવાજાથી જ નહીં પરંતુ તેના લોકોથી પણ ઓળખાય છે. જે રીતે સદીઓથી આ ઇમારતો અડીખમ છે તે જ રીતે સંખ્યાબંધ પેઢીઓ પછી પણ અમદાવાદીઓની કેટલીક લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. જયેશ અઘ્યારુ આ લાક્ષણિકતાઓનો મજેદાર પરિચય કરાવે છે….

જો ક જૂની પણ રિલેવન્ટ છે. એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. દૂર કાઠિયાવાડ બાજુથી આવેલા એક કાકાએ બારીમાંથી એક વ્યકિતને પૂછ્યું, ‘ભાઈ, આ કયું ટેશન આવ્યું?’ પેલા ભાઈ કહે, ‘કાકા, પાંચ રૂપિયા આલો તો કહું.’ કાકા કહે, ‘ઓહો, તો તો નક્કી અમદાવાદ જ હશે!’

દૂધની કેટલી થેલીઓ ભેગી કરીએ અને ભંગારમાં આપીએ, તો સરવાળે કેટલા દિવસનું દૂધ ફ્રી મળે? છાપાંની કૂપનો કાપીને ચોંટાડીએ અને ફ્રી ગેરંટેડ ગિફ્ટ લઈએ અને ઉપરથી પસ્તીવાળાને છાપાં આપીએ, તો સરવાળે છાપું ‘ફ્રી’ થાય? અને એના કરતાં કોઈ મોલમાં ચાલતી પચીસ રૂપિયે કિલોવાળી ઓફરમાં પસ્તી આપીએ તો ફાયદો થાય કે નહીં? કઈ કંપનીના શેર ખરીદીએ, તો મ્યુરયુઅલ ફંડ કરતાં પણ વધારે ફાયદો થાય?

આખા દિવસ દરમિયાન ગામમાં ફરવાનું છે, એટલે ૨૦ રૂપિયાવાળી ટિકિટ ખરીદીએ તો ફાયદો થાય કે નહીં? અત્યારે કયા મોલમાં સૌથી સારી અૉફર્સ ચાલે છે? એમાં અમુક તમુક રૂપિયાની ખરીદી કરીએ, તો કેટલા રૂપિયાનો ફાયદો થાય એમ છે? ‘મફત પાણીની પરબ’ કે કોઈ વડાપાંઉની દુકાને મેનુ કાર્ડની નીચે ‘ફ્રીઝ કોલ્ડ પાણી એકદમ ફ્રી’ જેવા શબ્દો આ વિશ્વમાં અમદાવાદ સિવાય બીજે કયાંય વાંચવા નો’ મળે!

મહેનતુ : મોંઘવારી કેટલી છે ખબર છે?

એક ઓબ્ઝર્વેશન કહે છે કે ગુજરાતના કોઈ પણ શહેર કરતાં અમદાવાદમાં સાઇડકારવાળા સ્કૂટરોની સંખ્યા વધારે છે. કદાચ એટલા માટે કે અહીંના લોકોના સાઇડ બિઝનેસ પણ વધારે છે! શેરબજાર-મ્યુરયુઅલ ફંડમાં રોકાણ, રિયલ એસ્ટેટ, મિનરલ વોટર, અથાણાં-મસાલા-પાપડ-નમકીનનો ગૃહઉધોગ, મોબાઇલ, કમ્પ્યૂટર, લાઇફ ઇન્સ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ, ડિમેટ એકાઉન્ટ, એનજીઓ… મુખ્ય વ્યવસાય કોઈ પણ હોય, સાઇડ બિઝનેસ કરવો એ અમદાવાદીના જનીનમાં છે. કારણ સાફ છે, નવરા બેસવું આપણને પાલવે નહીં! એટલેસ્તો સવારના પહોરમાં આઠ વાગ્યામાં પણ ભરચક ટ્રાફિક જૉવા મળે.

ગુજરાતના અન્ય ગામોની જેમ અહીં બપોરે બે ઘડી ‘લંબાવવા’નો રિવાજ નથી. હવે તો મોલ મેનિયાએ નાના રિટેલરોની ઊંઘ ઉડાડી છે અને કોર્પોરેટ સેકટરમાં કામ કરતા પ્રોફેશનલ્સની સંખ્યા વધી હોઈ ‘સન્ડે કલોઝ્ડ’ના પાટિયાં ડાયનોસોરની જેમ લુપ્ત થઈ ગયા છે.

જલસા: દિલ ફાડીને ઉજવણી

‘શાદી, ઉત્સવ યા ત્યૌહાર, મૌજ હી મૌજ હો હર બાર!’ અમદાવાદની જલસાપ્રિયતા માટે સ્લોગન બનાવવું હોય, તો કંઈક આવું બનાવી શકાય! ઉત્તરાયણમાં આકાશમાં રંગોળી કરી હોય એટલી પતંગો ઊડતી જૉવા માટે ખાસ ગામેગામથી લોકો અમદાવાદ આવે એ જગજાહેર વાત છે.

સો-સોના હિસાબે (જાતભાતના ઇન્ટરેસ્ટિંગ નામોવાળી) પતંગો લઈલઈને ધાબે ચડી જવાનું. મ્યુઝિક પ્લેયરો અને નવા જમાનાના ડી.જે. તરીકે ઓળખાતા નચાવનારાઓના તાલે સંગીત નામે ઓળખાતો કર્ણપ્રિય ઘોંઘાટ કરવાનો. સાથે ઊંધિયું, તલસાંકળી, ચિક્કી એટસેટરાની જયાફતો. કોઈની પતંગ કાપી કે ‘કાઇપો છે’ની બૂમાબૂમ!

અનુભવીઓ કહે છે કે અમદાવાદમાં નવરાત્રિમાં કયારેય કોઈ છોકરીના પ્રેમમાં ન પડવું. કેમ કે ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક છોકરી બ્યુટીફુલ લાગતી હોય છે! (ઘડિયા લગ્નો લેવા આવતા એન.આર.જી. બંધુઓ ઘ્યાન આપે!) પરંતુ નવરાત્રિમાં આખું અમદાવાદ યુવાન થઈ જાય. ચણિયાચોળી અને ચોરણી-કેડિયાનું જાણે પૂર આવે, અને પાર્ટીપ્લોટો હાઉસફુલ થઈ જાય. દરેક રસ્તા પર ટ્રાફિકજામ. મોટેરાં વળી શેરીગરબામાં હાથ અજમાવી લે.

ડિટ્ટો, દિવાળીનું. એટલા ફટાકડા ફૂટે કે ટ્રાફિકનો ધુમાડો લઘુતાગ્રંથિ અનુભવવા લાગે! અષાઢી બીજની રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોસાળે જઈને ધેર પાછા ફરે એટલે કેટકેટલા મનુષ્યોને હાશકારો થાય! કારણ કે લાખોની મેદની પ્રભુના દર્શન માટે એકઠી થઈ હોય. હવે ઈશ્વર તો માને પણ એના ભકતો સાચવવા કપરા પડે!

દેશી હોય કે વિદેશી, ઉત્સવો ઊજવવા જોઈએ. ફોર એકઝામ્પલ, ન્યૂ યર. ‘થર્ટી ફસ્ર્ટ’ની રાત્રે સી.જી. રોડ પર તમે આળસ ન મરડી શકો, કેમ કે હાથ પહોળા કરવાની જગ્યા જ ન હોય. અમદાવાદની કોઈ પણ જાણીતી કલબમાં પણ એવો જ આલમ હોય!

ખાણી પીણી : ખાએ જાઓ ખાએ જાઓ

અરે બકા, જીવવાનું છે શેને માટે? ખાવા માટે સ્તો! સારું ખાધુંપીધું નહીં તો શું જીવ્યા? સવારના પહોરમાં કટિંગ ચા સાથે ફાફડા – જલેબીથી દિવસ ચાલુ કરવાનો. પછી જમીએ ત્યાં સુધી કટિંગના દોર ચાલ્યા કરે. બપોરે ટેસથી દાબીને ખાધું હોય, તો સાંજ આરામથી પડે. સાંજે યાર – દોસ્તો ભેગાં મળ્યા હોય, તો વડાપાઉં, દાબેલી, સેન્ડવિચ થઇ જાય.

એની ટાઇમ કટિંગ ટાઇમ! એટલે એય ને પાછી કિટલીએ કટિંગ ચાની ચુસ્કીઓ ચાલે. સાંજે વસ્તી કરીને ધેર ખાવાનું તો હોય જ. રવિવારે તો કમ્પલસરી ઘરે રસોડું બંધ એટલે બંધ. અરે, શહેરમાં આટઆટલાં રેસ્ટોરાં, ડાઇનિંગ હૉલ, પંજાબી-ચાઇનીઝની રોડસાઇડ લારીઓ કોના માટે ખૂલે છે?! સન્ડે તો લિટરલી કોઈ પણ લારી-ખૂમચાવાળો નવરો ન બેઠો હોય.

ખાસ કરીને અમદાવાદી ગલ્ર્સર્ તો પાણીપૂરી, સોરી, પકોડીની લારી જોઈ નથી કે ‘ભઈ, પાંચની બનાવજો ને!’ કીધું નથી. બાય ધ વે, અગેઇન અમદાવાદ જ કદાચ એકમાત્ર એવું શહેર હશે કે જયાં મોટા ભાગની ફેવરિટ ખાણીપીણી બ્રાન્ડેડ હશે. ફોર એકઝામ્પલ ચા ઋતુરાજ, પી.સી. પોઇન્ટ, વિજય, રામભાઈ, નહેરુનગર, એચ.એલ.ની કિટલીઓની, સેન્ડવિચ લકીની, ગાંઠિયા તો ગાંઠિયા રથના, કોલ્ડ્રિંકસ તો ગિરીશનું, વડાપાંઉ આર.કે.-બોમ્બે વડાપાંઉનાં, ભાજીપાંઉ ઓનેસ્ટના, ઢોંસા સંકલ્પના, આઇસક્રીમ જનતાનો, હા, ગુજરાતી થાળી માટે ઘણા વિકલ્પો છે.

આ બધું પૂરતું ન હોય એમ અમદાવાદમાં માણેક ચોક અને લો ગાર્ડન નામની ખાણીપીણીની ગંગોત્રી તો છે જ! કોઈ પણ ઇન્ટરનેશનલ વાનગી-ડીશનું ટોટલ દેશી વર્ઝન લાવવામાં પણ આપણને કોઈ ન પહોંચે. બોલો, ચાઇનીઝ પાતરાં, ચાઇનીઝ ખમણ, ચાઇનીઝ સમોસા, ફરાળી સેન્ડવિચ, ફરાળી પિત્ઝા ઇત્યાદિ વેરાયટીઓ બીજે કયાંય ખાધી છે?! અને હા, આ દરેક વાનગીઓના ‘જૈન વર્ઝન’નું મેનુ તો અલગથી, હં કે!

પ્રવાસ: મુસાફિર હું યારોં

અમદાવાદમાં ને અમદાવાદમાં ફરવું હોય, તો શોપિંગમોલ જેવી બેસ્ટેસ્ટ જગ્યા એકેય નહીં. એટલીસ્ટ, મફત ઠંડકમાં ફરવા તો મળે! પણ વાત જયારે છેટે ફરવા જવાની હોય, ત્યારે મામલો જરા સંગીન બને છે. મહુડી, માઉન્ટ આબુ, શ્રીનાથજી, શિરડી, શનિ શિંગણાપુરથી લઈને નૈનિતાલ, શિમલા, કુલુ-મનાલી, કોડાઇકેનાલ, કન્યાકુમારી અને હવે તો સિંગાપોર, હોંગકોંગ, ન્યુ જર્સી, કેનેડા, લેસ્ટર, સિડની… આ ધીંગી ધરા પર ગમ્મે ત્યાં જાઓ, કાને ‘કાં બકા, તું અહીં શું કરું છું?’નો લહેકો સંભળાયા વિના રહે જ નહીં! ખાખરા, થેપલાં, અથાણું ભરીને મણના હિસાબે બિસ્તરાં-પોટલાં સાથે પ્રવાસમાં ઊપડી જવું એ આપણો અલ્ટિમેટ શોખ.

યાર-દોસ્તોની ટોળીઓમાં કે ટ્રાવેલ કંપનીઓની કંડકટેડ ટૂરોમાં કોઈ શાંતિલાલ, કોકિલાબહેન કે નિમુમાસીનો જિગ્નેશ મળે જ મળે. આપણે ગમ્મે ત્યાં જઈએ, પણ ત્યાં ખાવાનું વ્યવસ્થિત જોઈએ. પેરિસ હોય તો શું થયું, ગુજરાતી થાળી વિના આપણને સંતોષ ન વળે!

દિવ્યભાસ્કર માંથી સાભાર

Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: