દિકરી વ્હાલ નો દરિયો

Posted on સપ્ટેમ્બર 6, 2009. Filed under: દીકરી | ટૅગ્સ: |

સંસારમાં સૌથી કરુણ, લાગણીભર્યું અને હૃદયને હચમચાવી મૂકે એવું દ્રશ્ય છે કન્યાવિદાય

                કવિ અનિલ જોશીનું ‘કન્યાવિદાય’ વિશેનું એક કાવ્ય છે

‘‘લીલુડાં પાંદડાની ઉછળતી વેલ

હવે કંકુનાં પગલાં દઈ ચાલી,

રાખડીના તાંતણે બાંધેલું ફળિયું

હવે લાગે છે સાવ ખાલી ખાલી!’’

કાવ્ય કે કોઈપણ કૃતિને બે રીતે સમજી શકાય છે  એક તો એનો સીધો શબ્દાર્થ કે ચોટદાર અભિવ્યક્તિના કારણે હૃદયમાં જાગતો પ્રતિભાવ અને બીજી રીત છે સ્વાનુભૂતિની. વ્યક્તિ પોતે જ એ અનુભવમાંથી પસાર થાય અને આપણી પોતાની અનુભૂતિ જ એને અર્થ આપે તો એ અર્થમાં આપોઆપ ઊંડાણ આવી જાય છે.

કાળજાના કટકા જેવી દીકરીને જેણે પોતાના ઘરમાંથી વિદાય આપી હોય એવા માબાપને અને ભાઈભાંડુને જ ખ્યાલ આવે છે કે દીકરી કે બહેનના ગયા પછી ઘર કેટલું ખાલી ખાલી લાગે છે!

જે દીકરીને નાનપણમાં ઊંચકી ઊંચકીને ફર્યા હોઈએ, પીઠ અને માથું પંપાળીને રોજેરોજ એને નિદ્રાદેવીની ગોદમાં સોંપી હોય, જેની નાની નાની વાતની મનમાં ઊંડે સુધી નોંધ લીધી હોય એ જ દીકરી જ્યારે મોટી થાય, મા-બાપ સિવાયના કોઈ નવા સંબંધ અને સ્પર્શ માટે વલખે, સપનાના કોઈ રાજકુમારનો હાથ પકડી એની સાથે છેડા બાંધે અને પિયરપક્ષના ઊડા-મીઠા સંબંધોને છોડી કોઈ એક અજાણ્યા પુરુષનો હાથ ઝાલી જીવનની એક નવી યાત્રા આરંભે ત્યારે માનવ સંબંધોની આવી અટપટી ફૂલ ગૂંથણી માટે પરમાત્મા સામે નમ્યા વિના છૂટકો જ નથી.

‘દીકરી’ એ કોઈ કોરો સંબંધ નથી. સંબંધો તો અનેક હોઈ શકે. લાગણીના અને લાગણી વિનાના પણ સંબંધો હોય છે. જ્યારે દીકરી તો નર્યું વ્હાલ છે. એ મખમલી અહેસાસને હૂબહૂ કોઈ શબ્દ કે નામમાં સમાવી શકાતો નથી. બસ એને જીવી શકાય છે. હૃદયના કોઈક ખૂણે પ્રેમથી છલોછલ ભરેલા એ અહેસાસને અનુભવી કે પી શકાય છે.

દીકરી ઘરમાંથી વિદાય થાય, પિતાનું ઘર છોડી સાસરે જાય ત્યારે ઘરનો ખૂણે ખૂણો રડી ઊઠે છે. એક જ દીકરી સાથે જીવતાં મા-બાપનું તો આખું ઘર જાણે ખાલી થઈ જાય છે. એ લોકો એકલા એકલા પછી કરેય શું? – દીકરીનો ચહેરો, દીકરીનો ટહૂકો ને નદી કે ઝરણાની જેમ ઉછળકૂદ કરતી દીકરીની વિદાય પછી આખું ઘર સૂમસામ, ખાલીખમ અને ઉદાસ બની જાય છે.

અપાર ઝંખના સાથે જેના જન્મ માટે પ્રાર્થના કરી હોય, નવ નવ મહિના જેને જીવની જેમ સાચવીને પેટમાં રાખી હોય, ભરપૂર વ્હાલ અને લાગણી સાથે જેને ઉછેરી હોય એવી દીકરી મોટી થઈને માનો પાલવ છોડી – સાસરિયે જવા માટે વિદાય માગે, માના ગળે વળગીને રડે, પિતાને ભેટીને આંસુ વહાવે, ઘરના તમામ નાના મોટા સ્વજનોની વિદાય લે. જ્યાં પોતાનું બચપણ વીત્યું છે એવા આંગણાને નજર ભરીને જોઈ લે, ત્યારે ભલભલાની આંખમાં આંસુ આવી જતાં હોય છે. કન્યાવિદાયનું દ્રશ્ય સંસારમાં સૌથી કરુણ, લાગણીભર્યું અને હૃદયને હચમચાવી મૂકે એવું હોય છે.

કોઈ એક અજાણ્યા ઘરમાં જઈને અજાણ્યા લોકોને પોતાના બનાવી, ત્યાંના વાતાવરણમાં સેટ થવું, પોતાની આગળની ઓળખાણને ભૂલી એક નવા જ પરિવારમાં નવી ઓળખાણ સાથે જીવવું એ અઘરું કામ છે. માત્ર દીકરી જ આ કામ કરી શકે. આ કામ સંન્યાસી જેવું છે. સંન્યાસી જેમ પોતાનું જૂનું નામ, જૂની ઓળખ એ બધાને ભૂલી નવા નામ અને નવી ઓળખ સાથે જીવે છે એમ સાસરે જતી દીકરી પણ સાચા અર્થમાં એક સંન્યાસિની જ છે. એના આ સંન્યાસને સન્માનની નજરે જોવો જોઈએ. લગ્ન પછી દીકરી દ્વિજ બને છે. આ રીતે એનો નવો જન્મ થાય છે.

લોકો દીકરીને દરિયા સાથે સરખાવે છે પણ દરિયો તો ખારો ધૂઘવાર હોય છે. અંજલિભર પાણી પણ એમાંથી પી શકાતું નથી. તરસથી તરફડિયાં મારતા માણસને દરિયો ક્યારેય તૃપ્ત કરી શકતો નથી. એ માટે તો નાનકડું ઝરણું કે ખળખળ વહેતી નદી જ શોધવી પડે. દીકરી નાની હોય ત્યારે ખળખળ વહેતા ઝરણા જેવી હોય છે અને મોટી થાય ત્યારે મહાસાગરની શોધમાં નીકળી પડેલી સરિતા જેવી હોય છે. નદીનાં જેમ અનેક રૂપ હોય છે તેમ દીકરીનાં પણ અનેક રૂપ આપણને જોવા મળતાં હોય છે. ક્યારેક એ ઉછળતી-કૂદતી કન્યા જેવી તો ક્યારેક લગ્નના મંડપમાં બેઠેલી શરમાળ, ધીરગંભીર નવયૌવના જેવી. નદી જેમ કાંઠા-કિનારાના અનેક લોકોને જીવન આપે છે તેમ દીકરી પણ આખા પરિવારને અને આસપાસના સગાસ્નેહીને વ્હાલ અને મીઠાશથી ભરી દેતી હોય છે. નદી પોતાના ઉદ્ભવને છોડી સાગરની શોધમાં નીકળી પડે છે તેમ દીકરી પણ પિયરના વ્હાલને પાલવમાં ભરી સાસરિયાની વાડીને લીલીછમ્મ રાખવા નીકળી પડતી હોય છે.

દીકરી જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી એ દીકરીનું સુખ આપે છે અને પરણે ત્યારે દીકરા જેવા એકબીજા પાત્ર -(જમાઈ)ને પણ પરિવારમાં ઉમેરે છે. પરણ્યા પછી પણ મા-બાપનું ઘ્યાન રાખતી અને મા-બાપની ચિંતા કરતી દીકરીઓ મેં અનેક જોઈ છે.

દીકરામાં રસ હોય એમને ત્યાં ભલે એક કે એકથી વઘુ દીકરા હોય પણ જો એ ઘરમાં એક પણ દીકરી નથી તો એ ઘર અઘૂરૂં અને અંધારિયું છે. દીકરી ઘરમાં રંગ, રોશની અને ગીતસંગીતને લાવે છે. મેં મારી દીકરી(દિશા)ના જન્મ અને ઉછેર દરમિયાન આ બઘું અનુભવ્યું છે.

Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: