‘ભૂખ્યો રહેજે કે અરધો રોટલો ખાજે પણ પોતીકો ધંધો કરજે’

Posted on સપ્ટેમ્બર 18, 2009. Filed under: દિવ્યભાસ્કર |

અંગ્રેજીમાં જૂની કહેવત હતી કે કીપ યોર શોપ એન્ડ શોપ વિલ કીપ યુ- તારી સ્વતંત્ર દુકાન રાખ અને તારો એ ધંધો તને આખી જિંદગી પાળશે. કાડિયાવાડમાં દરેક વિશા શ્રીમાળી વાણિયો કે જૈન કદી નોકરી ન કરે. નાનકડી પણ સ્વતંત્ર હાટડી માંડશે. તેના બાપદાદાની શિખામણ હતી કે ‘બેટા કદી જ નોકરી કરતો નહીં. ભૂખ્યો રહેજે કે અરધો રોટલો ખાજે પણ તારો પોતાનો સ્વતંત્ર ધંધો કરજે.’ લગભગ આવી જ નહીં, તેનાથી ઉગ્ર શિખામણ ૨૧મી સદીમાં કમ્પ્યૂટરના મહારથિ સ્ટિવ જોબ્સે અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ગ્રેજયુએટોને સંબોધતી વખતે આપેલી કે સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ. ભલે લોકો મૂરખ કહે તમને મહિને ૨૫,૦૦૦ ડોલરનો પગાર મળે પણ જો ઇન્ફોટેકનું જ્ઞાન હોય તો પેટે પાટા બાંધીને પણ સ્વતંત્ર ધંધો કરજો.

સ્ટિવ જોબ્સનું આ સૂત્ર જગમશહૂર થઈ ગયું અને દોડતું દોડતું અમદાવાદ સુધી આવ્યું છે. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)ના ૨૫ જેટલા ગ્રેજ્યુએટોએ ડિગ્રી મેળવીને ઊચા પગારની ગેરંટેડ નોકરીને બદલે સ્વતંત્ર કંપની ખોલી તેની કથા સુંદર રીતે પુસ્તકમાં રશ્મિ બંસલે આલેખી છે અને તેનું નામ પણ રાખ્યું છે. ‘સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ.’

તમને સ્વતંત્ર ધંધો કરવાના કોડ જાગે પણ સાહસ કરતાં પરસેવો વળે તો આ તદ્દન સસ્તું (રૂ.૧૨૫નું) પુસ્તક ખરીદીને પ્રેરણા લેજો. જોકે, સ્વતંત્ર ધંધો કરવાનું કરછી કાડિયાવાડી અને પટેલોને ગળથૂથીમાં પાયું છે. કરછી વાણિયાનો દીકરો મુંબઈ આવી છેવટે ઘરે ઘરે ફરીને પસ્તી ઉઘરાવીને વેપાર કરશે. લારી કરશે પણ નોકરી નહીં કરે.

વાપીમાં ગાર્મેન્ટની ફેકટરી નાખનારા કરછી કાંતિ હરિયાના પિતા શરૂમાં મુંબઈમાં રૂ.પાંચના પગારથી નોકરી કરતા.પછી કેનિયા જઈ સ્વતંત્ર ધંધો શીખ્યા. બન્ને આંખો ચાલી ગઈ છતાં વાપીમાં નિકાસપાત્ર વસ્ત્રો બનાવવાનું કારખાનું નાખ્યું. તમે ટોરેન્ટ લેબોરેટરીઝનું નામ સાંભળ્યું છે. તેના સ્થાપક સ્વ. ઉત્તમચંદકાકા હતા. તેમણે શરૂમાં એક દવાકંપનીમાં નોકરી કરી અને તેનો મોટો પુત્ર સુધીર કિશોર હતો ત્યારે ઘરબેઠાં એલોપથીની દવા જાતે બનાવીને વેચવા માંડ્યા. આજે ટોરેન્ટ લેબોરટરી વિદેશમાં દવા નિકાસ કરે છે. હેમરાજ શાહ પહેરેલે કપડે કરછથી મુંબઈ આવેલા તે આજે સ્ટેશનરીનો મોટો ઉધોગ ચલાવે છે અને મુંબઈમાં ગુજરાતીઓનું મંડળ ચલાવે છે. તમે ચંદ્રકાંત બક્ષીના તમામ પુસ્તકોનું પ્રકાશન કરનારા ધનજીભાઈ શાહની નવભારત પ્રકાશનની સંસ્થાનું નામ જાણો છો. આ ધનજીભાઈ કચ્છથી મુંબઈ આવ્યા ત્યારે રહેવા ઘર નહોતું. નોકરી કરી જ નહીં. ધંધો કરવા માટે બાંકડો પણ ભાડે લીધેલો. માટુંગાની ગુર્જરવાડીમાં રહી કાલબાદેવીમાં આર્યનિવાસ લોજ સામે જૂના ગુજરાતી પુસ્તકો વેચતા, તોય પુસ્તકો બાકી રહે તો ઘરે ઘરે ફરી ફરીને વેચતા આજે તેની જબરજસ્ત પ્રકાશન કંપની છે.

આફ્રિકામાં શિક્ષકની નોકરી કરનારા લલ્લુભાઈ પટેલે મુંબઈ આવી એગ્રીકલ્ચરલ ઇકિવપમેન્ટનું કારખાનું શરૂ કર્યું. તેમના પુત્રો સાહસિકોને ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ આપે છે. ડો. મોહન પટેલ ઇજનેરીની ડિગ્રી પછી તાતાની મલાઈદાર નોકરી કરતા હતા પણ પછી પોતાનું કારખાનું શરૂ કરીને સફળ થયા છે. આઈઆઈએમના ગ્રેજયુએટો તો પિતાની કમાઈના રૂ.બેથી પાંચ લાખની ફી ભરીને સોનાની લગડી જેવી ડિગ્રી લે છે તેઓ માટે નોકરી મેળવવી આસાન હોય છે, પણ તેમાંથી ઘણા ‘કરછી સ્પિરિટ’વાળા છે તેવા પચીસ ગ્રેજયુએટો ‘અડધો રોટલો’ ખાઈ પોતાની સ્વતંત્ર કંપની સ્થાપે છે.

આઈઆઈએમના ગ્રેજ્યુએટોમાં દીપા રંગરાજન નામની મૂળ બેંગલુરુની યુવતીનો દાખલો લઈએ. તેના પિતા ન્યૂ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં કામ કરતા. પછી દિલ્હી સેટલ થયા. તેમણે આઈઆઈટીની ડિગ્રી લીધી. તેનાથી ધરપત ન થતાં અમદાવાદ આવી. દીપાના કુટુંબમાં બાપજન્મારે કોઈએ પણ સ્વતંત્ર ધંધો કે વેપાર કરેલો નહીં. દીપાએ સોનાની લગડી જેવી ડિગ્રીઓ પછી મોટી મોટી જબ્બર કંપનીમાં ઊચા પગારની નોકરી મેળવી. ક્રિસલિથી માંડીને અમેરિકન એકસપ્રેસ બેન્કમાં મહિને રૂ. ત્રણ લાખના પગારની નોકરી હતી. તે સમયે દીપાને સ્વામીનાથન નામના મિત્ર અફળાયા. સ્વામીનાથને કહ્યું ‘તારે નોકરી શું કામ કરવી જોઈએ? પેટ ભરાય છે પણ શું મન ભરાય છે?’ સ્વામીનાથન પછી બિઝનેસ ઇન્ડિયાના મદદનીસ તંત્રી થયા. બન્ને પરણી ગયાં અને તેમણે આઈઆરઆઈએસનામની ઇન્ફોટેક કંપની શરૂ કરી.અતિઉપયોગી આઇડિયા હતો. કોઈ મોટી નાણા સંસ્થા હોય કે નાનકડો શેરબજારનો ઇન્વેસ્ટર હોય તે તમામને જુદી જુદી કંપનીઓની નાણાકીય હાલતનું ઊંડાણથી વિશ્લેષણ કરીને પછી રોકાણની સલાહ આપવી અને એ ધંધો જામ્યો. યાદ રહે કે સ્વતંત્ર ધંધો હંમેશાં સફળ જાય તેવું લખી આપ્યું નથી. તમારે ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે.

રૂબી અશરફ નામની સાહસીની વાત લઈએ. તેના પિતા દિલ્હીમાં ડિફેન્સ ખાતામાં કામ કરતા હતા પણ તેને ‘નોકરું’ ફાવ્યું નહીં. તેમણે એક કન્સલ્ટંટ કંપની શરૂ કરી. રૂબી હજી સ્કૂલમાં હતી ત્યારે તેના પિતા તેને બિઝનેસ-મિટિંગમાં લઈ જતા. તેને બિઝનેસ ઓરિયેન્ટેડ બનાવવા માગતા હતા. દીકરા કરતાં દીકરી બાપનો વારસો સારી રીતે જાળવશે તેવી પિતાને આશા હતી પણ રૂબીને જામ્યું નહીં. તેણે મેડિકલ કા”લેજમાં દાખલ થઈ ડોક્ટર બનવાનું વિચાર્યું.મેડિકલ કોર્સમાં મડદાં ચીરવાનું કામ હોય છે. એનેટોમી શીખવા માટે આવું કરવાનો રૂબીનો જીવ ચાલ્યો નહીં. કોર્સ છોડીને તેણે સાયન્સની માસ્ટર ડિગ્રી લીધી.

યાદ રહે કે આ પુસ્તક (‘સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ’)માં જેના જેના દાખલા આપ્યા છે તે મોટે ભાગે ડબલ ડિગ્રીવાળા છે અગર ત્રણ ત્રણ ડિગ્રીવાળા છે. આજે જેને ખૂબ ભણવાની, પછી પરદેશ જઈને ભણવાની સગવડ હોય છે અગર તો સગવડ કરી શકાય છે તેવી છોકરીઓ શું કામ ભણતી નથી? શું કામ ગુજરાતી છોકરી મેરેજ ઓરિયેન્ટેડ બની રહે છે? એમબીએ કે એમએ થઈને વહુ બની રસોડું સંભાળવાનાં કોડ શું કામ જાગે છે? રૂબીએ એમએસસી કર્યું. પછી બ્રિટન જઈને પીએચડીની ડિગ્રી લીધી તેનાથી ધરપત ન થતાં તે અમદાવાદમાં મેનેજમેન્ટના કોર્સ શીખવા આવી અને… અને .. રૂબીની આખી માનસકિતા આપણી આ અમદાવાદની સંસ્થાએ ફેરવી નાખી. તેની પર્સનાલિટી બદલાઈ ગઈ. પ્રોફેસર ઇન્દિરા પરીખ તેમના પ્રેરણાદાયી પ્રોફેસર બન્યાં. ત્યારથી તેનામાં સ્વતંત્ર ધંધો કરવાની ખ્વાહિશ હતી. કમાલ જોઈ લો કે રૂબી પરણીને અમેરિકા ગઈ.ત્યાં તેણે રાઇસ યુનિવર્સિટીમાં પાછો નવો કોર્સ લીધો! પરણ્યા પછી અને સંતાનો થયાં પછી અને મહિને રૂ ૧૦ લાખની આવક પછી પણ કેટલીય આવી રૂબી જેવી યુવતી ભણ-ભણ-ભણ કરે છે. તમે શું કરો છો? બાળોતિયાં જ બદલો છો?

આ પુસ્તકમાં (સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ) કે. રાધવેન્દ્ર રાવની સ્ટોરી વાંચવા જેવી છે. તેના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. કોઈએ સાત પેઢીથી સ્વતંત્ર ઉધોગ કે વેપાર કરેલા નહીં. તામિલનાડુના તેનાલી ગામે બીકોમ ભણીને તેણે મુંબઈમાં ક્વોલિટી આઇસક્રીમમાં નોકરી મેળવી પણ પછી અમદાવાદમાં આઈઆઈએમમાં જોડાયા પછી આખું માનસ પલટાઈ ગયું. તેણે ઘણી નોકરીઓ બદલી.અશોક લેલેન્ડ પછી સ્ટાન્ડર્ડ ઓર્ગેનિકસ વગેરે કંપનીમાં કામ કર્યું. તેણે જોયું કે ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉધોગનું ભાવિ ઊજળું છે. તે માટે પરદેશ જઈ અભ્યાસ કર્યોઅને પછી ઓર્કિડ ફાર્માસ્યુટિકલ્સનું પોતાનું જ કારખાનું શરૂ કર્યું. જેણે પણ ફાર્માસ્યુટિકલ ઉધોગ નાખ્યો છે, તે માલદાર થયા છે. એટલે ડા”કટરની ડિગ્રી લઈને માત્ર દર્દી-ઘરાક પાસેથી પૈસા પડાવવાના ધંધા કરતાં ફાર્મસસ્ટિ બની અમેરિકા અને ઇંગ્લેન્ડ – જર્મનીને હંફાવે તેવી ફાર્મસી ઇન્ડસ્ટ્રી શરૂ કરવી જોઈએ. ગેરંટેડ સફળતા છે.

નરેન્દ્ર મુરકુમ્બી નામના યુવાનનો દાખલો જોવા જેવો છે. મૂળ બેલગામના આ યુવાને શરૂમાં માન્યું કે ઇલેકટ્રોનિક એન્જિનિયરિંગની ડિગ્રીવાળાને સારો પગાર મળે છે એટલે તેની ડિગ્રી લીધી પણ નરેન્દ્રના બાપદાદા બધા જ વેપારી હતા. વેપારીના દીકરાને નોકરી ફાવી નહીં. ત્યારે કોઈએ સલાહ આપી કે એમબીએ થા અને નરેન્દ્ર અમદાવાદ આવી ગયા. ભણતાં ભણતાં તેણે સ્વતંત્ર ધંધો જ કરવાનું નક્કી કર્યું. તેનો એક મિત્ર મળી ગયો.તે સમયે તાતા કંપનીએ બાયો પેસ્ટિસાઇડઝ બનાવતા કારખાનાનો પ્રોજેકટ કરીને પડતો મૂકયો પણ નરેન્દ્ર મુરકુમ્બી અને તેના મિત્રે રૂ.૨૫ લાખની લોન લઈને ‘મુરકુમ્બી બાયો એગ્રો’ કંપની શરૂ કરી એ પછી જુદા જુદા ઉધોગમાં પડ્યા. બેલગામમાં શેરડી થાય છે, તેથી ખાંડ તો ખરી જ. નરેન્દ્ર મુરકુમ્બીએ પછી રેણુકા સુગર્સ કંપની શરૂ કરી. આજે રેણુકા સુગર કંપની રૂ.૧૦૦૦ કરોડની છે.

ખરેખર તો તમારે આંગણે જ અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ છે. ત્યાંના પ્રિન્સિપાલ અને પ્રોફેસરો સાથે એપોઇન્ટમેન્ટ ગોઠવીને જાતે જઈને ભૂતકાળના વિધાર્થીઓના અનુભવ જાણો. ખાસ કરીને ત્યાં સેન્ટર ફોર ઇન્નોવેશન, ઇનકયુલેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ નામનું કેન્દ્ર છે.તે છેલ્લાં આઠ વર્ષથી કામ કરે છે. તેની મુલાકાત લો. નરેન્દ્ર મોદીની સરકાર આ સંસ્થાને સારો સહકાર આપે છે, ઉપરાંત કેન્દ્ર સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ સહકાર આપે છે. માઇક્રોસોફ્ટ, વાઢવાણી ફાઉન્ડેશન તેમ જ સિલિકોનવેલીના સફળ સાહસિકોનો અનુભવ અહીંથી જાણવા મળે છે. આપણું જૂનું સંસ્કૃતનું સૂત્ર ભૂલશો નહીં – ‘સાહસે શ્રી:’ સાહસ કરો તો જ લક્ષ્મી મળશે.

(દિવ્ય ભાસ્કર માંથી સાભાર)

Advertisements

Make a Comment

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

3 Responses to “‘ભૂખ્યો રહેજે કે અરધો રોટલો ખાજે પણ પોતીકો ધંધો કરજે’”

RSS Feed for જૂની રંગભુમી ના ગીતો –સંભારણા Comments RSS Feed


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: