ગુજરાતીઓની ખાવાની ખાસ સ્ટાઈલ જૈન પિત્ઝા અને ચાઈનીઝ ભેળ

Posted on ઓક્ટોબર 7, 2009. Filed under: ખાણી પીણી | ટૅગ્સ:, , , , |

આઈઆઈએમના એક વિદ્યાર્થીએ અન્ય પ્રાંત કે દેશની વાનગીની રેસીપી કે બનાવવાની પઘ્ધતિમાં જે તે રાજ્યની પ્રજાની ખાસિયત અને સ્વાદ અને રૂચિના સંદર્ભમાં થતા ફેરફાર અંગે રસાળ થિસીસ લખ્યો હતો જેમાં સ્વાભાવિકપણે ગુજરાત ભારતના તમામ રાજ્યોમાં જુદુ પડતુ હોઇ કેન્દ્ર સ્થાને હતું.

 પિત્ઝા માટે જાણીતી અમેરિકાની કંપનીને તેના તેજ પિત્ઝામાં વિશ્વમાં પ્રથમ વખત ગુજરાતમાં ફેરફાર કરવો પડ્યો હતો. જૈન પિત્ઝાની કેટગરી જો શરૂ ના થઇ હોત તો અમેરિકાની કંપનીની ફ્રેન્ચાઇઝ ચલાવવા કોઇ તૈયાર નહોતુ. હવે અમેરિકા અને યુરોપમાં પ્યોર ગ્રીન વેજ તરફ આકર્ષાતી ગોરી પ્રજા માટે જૈન પિત્ઝા ખાસ્સી કુતુહલતા જન્માવી રહ્યા છે.

જૈન પિત્ઝાની સાથે સાથે ચાઇનીઝ ફૂડને પણ પોતિકો સ્પર્શ આપવામાં નહીં છોડનાર ગુજરાતના ખાવાના શોખીનોએ ચાઇનીઝ ભેળ નામની સાવ નવી જ વાનગીને જન્મ આપ્યો. કોઇ ચીનાને આ ભેળ ખવડાવીને આપો તો તેને તમ્મર ચઢી જાય.

અન્ય ચાઇનિઝ વાનગીઓમાં પણ એવું જ છે. ખરેખર ચીનાઓ નોન વેજ આઇટમ જ ખાય છે. આપણે ચાઇનિઝના નામે ભલે ચાઇનિઝ ખાતા હોઈએ પણ ખરેખર તો આ આપણી રીતે બનાવાતી વેજ મોડિફાઇડ ચાઇનિઝ જ છે. અહીં ચાઇનિઝ સમોસા પણ છે !

ગુજરાતમાં જૈન ભાજીપાંઉ અને જૈન ઢોંસા બનાવવાની તૈયારી હોય તો જ આ ધંધામાં પડાય. ખાવા-પીવાની રીતે ગુજરાત બેજોડ છે. તેની પોતાની વાનગીઓનો આગવો રસથાળ છે તો બીજી તરફ બીજા રાજ્યો કે પ્રજાની વાનગીને હોંશભેર અપનાવે છે પણ તેની પોતાની આગવી સ્વાદ-સોડમ ઉમેરીને.

વડા પાંવ હવે અમદાવાદમાં હીટ પુરવાર થઈ ચુકયા છે. વડાપાંવ મુળ મુંબઇની આઇટમ છે પણ મુંબઇમાં બે પાંઉ વચ્ચે મસાલા વગરનું કોરૂ વડુ જ મુકીને પાઉ દબાવીને આપવામાં આવે છે. અમદાવાદમાં પાંઉના અંદરના પડને તેલ કે બટરમાં લસણના મસાલાથી તવા પર ફેરવાય છે. વડા પણ થોડા તીખા અને મસાલેદાર હોય છે. સાથે ટોમેટાના કેચઅપમાં વડાને દાળની જેમ બોળીને ખવાય છે.

એક જમાનામાં અમદાવાદમાં દાળવડાનો દબદબો હતો. દાળવડા અમદાવાદની ઓળખ હતી. પણ દાળવડા અમદાવાદ સુધી જ સીમીત રહ્યા. નવી પેઢીના ટેસ્ટ બદલાતા દાળવડા હવે જાણે વરસાદી વાનગી બની ગઈ હોય તેમ વરસાદ વખતે જ ગરમાગરમ દાળવડા, કાંદા અને લીલા મરચાં મોંમાં પાણી લાવી દે છે. જો કે શહેરમાં હજુ દાળવડાના પરંપરાગત શોખીનો માટે જાણીતા કાઉન્ટરો છે જ.

પાણીપુરી આમ તો દિલ્હી ચાટના પરિવારની વાનગી છે. ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં તે લગભગ એક જ રીતે પીરસાય છે. પણ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં પાણી પુરીના પાણીના સાતેક જાતના પ્રકાર જોવા મળે છે. લસણનું પાણી, લિંબુનું પાણી, આદુનું પાણી, જલજીરા પાણી વગેરે.

નવતાડના નાના ત્રિકોણીય સમોસા ગુજરાતની આગવી શોધ છે. ચોરાફળી કે ચોળાફળીને કેમ ભુલાય. બીજા રાજયોમાં આ ફરસાણની મઝા નથી. નાના સમોસાની ચટણીની મઝા છે તેમ ચોળાફળી સાથે તમતમતી ફુદીના-મરચાંની પ્રવાહી ચટણી તેની જાન છે. બળબળતા બપોરે, મોં પરથી પરસેવાની ધાર વહેતી હોય ત્યારે ચોળાફળીને ચટણીમાં ડુબાડીને ખાવાની મઝા કંઈક ઔર હોય છે.

રોજના ૧૦,૦૦૦ કિલો ખમણ અને ઢોકળા એકલું અમદાવાદ જ ઝાપટી જાય છે. ઢોકળા ચોખા-મગના પણ બને. વાટેલી દાળના પણ બનાવાય છે અને ચણાના લોટના નાયલોન ખમણ પણ આગવો મોભો ધરાવે છે. ઢોકળાની પણ વળી પાછી જુદી ચટણી, જે કઢી જેવી હોય છે.

ગાંઠિયા, ફાફડા આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની આઇટમ પણ અમદાવાદ, વડોદરા, સુરત વગેરેમાં કઢી-ચટણી જોઇને સૌરાષ્ટ્ર વાસીઓને થોડુ કૌતુક થતુ હોય છે.

વાનગીઓની આયાત કરવાનું ગુજરાત શોખીન છે. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, મઘ્ય પ્રદેશની નમકીન, દિલ્હીની ચાટ કે ચાઇનીઝ ફૂડ પ્રત્યે ભારે સમાન આદર ધરાવે છે. સવારે ગુજરાતી અને સાંજે કાઠિયાવાડી, પંજાબીની જમાવટ રેસ્ટોરામાં થાય. પિત્ઝા અને બર્ગર ઘેર બેઠા મંગાવી લો.

કેલરી અંગેનું ભારોભાર અજ્ઞાન પ્રવર્તતુ હોઇ સવારે એક કલાક ચાલીને આવ્યા પછી જે કેલેરી બાળે તેનાથી ડબલ ઘેર આવીને પડીકામાં બંધાવેલું આરોગીને મેળવી લે છે. ઘણા ફીટનેસ શોખીનો તો ચાલવાનો દોડવાનો વ્યાયામ કરીને સીધા ખાવાના જોઇન્ટસ પર જ પહોંચી જાય છે. વળી પાછા તેઓ ગૌરવભેર કહેતા હોય છે કે કસરત કરવાથી એક ફાયદો થયો…. ભુખ ઉઘડી ગઈ ! છેલ્લા કેટલાય મહિનાઓથી સવારના ફરવા નીકળતા કે અભ્યાસ-નોકરી અર્થે જનારાઓએ સ્ટોલ પર પૌઆ-બટાકા ખાવાનું શરૂ કર્યું છે. બ્રેક ફાસ્ટમાં ઇડલી પણ સ્ટાન્ડર્ડ છે.

અમદાવાદના દાળવડા જેમ અન્ય શહેરોમાં આવકાર ના પામી શક્યા તેમ સુરતની આઇટમ લોચો કે ભાવનગરના ચટણીવાળા પાંવ-ગાંઠિયા પણ અન્ય શહેરોમાં પ્રતિસાદ ના મેળવી શકયા. જો કે ભાવનગરથી તમારા સ્નેહી તમને ગાંઠિયાનું પેકેટ મોકલાવે તે મનભાવન હોય છે. જામનગરની સુકી ગોળ ખસ્તાકચોરી આ જ રીતે વખણાય છે.

ભાખર વડી પણ પ્રચલિત છે. મારવાડી કંદોઇ જે પેંડા બનાવે છે તેની પણ દુનિયા છે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, શિહોર, ભાવનગરની બનાવટ અને સ્વાદમાં જમીન-આસમાનનો ફર્ક છે. સૌરાષ્ટ્રમાં બાસુંદી ઘેર મંગાવાતી હોય છે. આપણે ત્યાં શિખંડ અને મઠ્ઠાનો મહિમા છે. સુરતની ઘારી અને ખંભાતની સુતરફેણી પણ ગુજરાતમાં અન્ય ગામોમાં હીટ ના નીવડી, આ આઇટમો જે તે સ્થાનિક વ્યકિત મોકલાવે તો ગૌરવભેર ખવાતી હોય છે. પણ તેને યાદ નથી કરાતી.

સૌરાષ્ટ્રમાં મહત્તમ રીતે ગાંઠિયા, ફાફડા, ચેવડો જ વર્ષોથી સરતાજ છે. બીજી વાનગીઓ, નાસ્તા, ફરસાણને દિલથી આવકાર નથી મળતો. હજુ અન્ય પ્રાંતની વાનગીઓ, ચાટ, નમકીન, ફાસ્ટ ફુડની બનાવટ કે ટેસ્ટ એ હદે વિકસ્યો નથી.

જો કે આઇસ્ક્રીમમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરતની આગવી દુનિયા છે.

આઇસ્ક્રીમની પોતાની રીતે જ ઉભી કરેલી રેસીપી ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જાણીતી કંપનીઓના આઈસ્ક્રીમ, પ્રત્યેક પાર્લરના પોતાના આઈસ્ક્રીમ, આઇસ્ક્રીમના ગોળા, કેન્ડી, ફુલ્ફી, ચોપાટી જેવી વેરાયટી હોય છે. ફાલુદા, નારિયેળ, આદુ અને મરચાંનો આઈસ્ક્રીમ પણ મળે ! નારંગીનો આઇસ્ક્રીમ વર્ષો પહેલા આખા ભારતમાં સૌ પહેલા અમદાવાદના માણેકચોકમાં શરૂ થયો હતો. હવે તો કોલ્ડ કોફી અને ફ્રુટનાં રેડીમેઇડ જયુસની લારીઓનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં બ્લ્યુ ગોળીવાળી બોટલ સોડા પછી ફાઉન્ટેન સોડા પણ એટલી જ પ્રચલિત બની છે. ભાવનગરમાં હજુ પણ એક સોડાના બે કે ત્રણ ભાગ તેવો ઓર્ડર આપી શકાય છે. અમદાવાદમાં બાર્લી વોટર અને ફ્રુટ બિયરનો યુવા પેઢીમાં ક્રેઝ વધતો જાય છે.

આવી તો ખાના-ખજાનાની કેટલીય વાતોનો રસથાળ પીરસી શકાય તેમ છે.

ગુજરાત સમાચાર માંથી સાભાર

Advertisements
Read Full Post | Make a Comment ( None so far )

ગાંઠિયા અને સૌરાષ્ટ્ર

Posted on ઓગસ્ટ 13, 2009. Filed under: ખાણી પીણી | ટૅગ્સ: |

 GATHIYA

સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને કોઈ ફિલ્મ કે ડોક્યુમેન્ટરી બનાવવાની હોય અને તેમાં સવારનું દ્રશ્ય ફિલ્માવવાનું હોય તો શું દર્શાવાય ? પાણીના બેડાં ઊંચકીને જતી ગ્રામ્ય નારીઓ ? દુધના ઠલવાતાં બોધેણા ? મંદિરમાં ચાલતી ધૂન ? મુસાફરોથી ભરચક છકડો રિક્ષા ? આ બધુ પણ દર્શાવાય પરંતુ સૌરાષ્ટ્રની સવારની સુગંધિત અને સ્વાદિષ્ટ એક ઓળખ છે ગાંઠિયા. ભલે એ ગુજરાતી ખાણું કહેવાય છે પરંતુ કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર તે તેના ‘અસલરંગ’ માં જોવા મળે છે. ગાંઠિયા સાથે અહીંના લોકોનું નોખું ગઠબંધન છે. કેટલાક લોકો માટે ગાંઠિયા ખાવા એ સૂર્યોદય જેવી નિયમિત ઘટના છે.
ગુજરાતીઓના જીવન તેલમાં જ તરે છે તેઓ આક્ષેપ બિનગુજરાતીઓ અને ડોક્ટરો કરે છે, તે સાચા પણ હશે – પરંતુ, લોકો અહીં ખાણીપીણીની બાબતમાં નરસિંહ મહેતાનું વલણ અપનાવે છે : ‘એવાં રે અમે એવા રે, તમે કહો છો વળી તેવાં રે….’ મુસીબતોની વચ્ચે ય મોજથી ખાવું એ અહીં જીવનમંત્ર છે અને એ મંત્રનો એક મોટો મૂળાક્ષર છે ગાંઠિયા. ગાંઠિયા એક પ્રોડક્ટ છે પરંતુ તેનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે. ફાફડાની બેન પાપડી પણ ખવાય છે. ભાવનગર પાસેના રંઘોળામાં ઝીણા ગાંઠિયા બને છે તે વખણાય છે. ચોકડી આકારના ગાંઠિયાનું નામ ‘ચંપાકલી’ સ્ત્રીલિંગમાં છે. ફાફડા અને વણેલા ગાંઠિયા ગરમ ખાવાનું ચલણ છે, ને બાકીના ગાંઠિયા ઘરે ડબ્બામાં ભરી રખાય છે.

અહીં દરેક શહેરમાં, પ્રાંતમાં, પેટા પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે ! રાજકોટમાં વણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે. રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે 200 ફાફડા…. એટલે કપાળેથી પરસેવો લૂછતાં અને બીજા હાથે તળેલાં મરચાં પર મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ, વણેલા જોઈએ તો તૈયાર છે !’ રાત્રે સાડા બારે ? હા, સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં રાત્રે 12.30, 2.30 કે સવારે 4.00 વાગે પણ ગાંઠિયા મળી શકે ! જૂનાગઢના કાળવા ચોકમાં રાત્રે સાડા ત્રણે ગાંઠિયા, આ લખવા માટે પેન પકડી છે એ જ જમણા હાથથી પકડીને ખાધા છે ને ધોરાજીમાંય એવી જ રીતે રાત્રે દોઢ વાગ્યે ગાંઠિયા પ્રાપ્ત છે. ગાંઠિયા માત્ર મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી, આઠે પ્રહરની ઊજાણી છે. પિત્ઝા અને બર્ગર ભલે અમદાવાદના બોપલ કે સૌરાષ્ટ્રના ઉપલેટા સુધી પહોંચી ગયા પરંતુ ગાંઠિયા પ્રત્યે પ્રીતિ યથાવત્ છે. વેકેશન ગાળવા ગયેલા ગુજરાતી પરિવાર દિલ્હીમાં સાંજે ચાટ અને પાઉંભાજી ભલે ખાય પણ ગુજરાતી સમાજની કેન્ટિનમાં તો “બે પ્લેટ ખમણ, ત્રણ પ્લેટ ગાંઠિયા અને બે ચ્હા” એવા જ ઑર્ડર અપાય છે.
લેટેસ્ટ ન્યુઝ એ છે કે ગાંઠિયા ખાવાની વસ્તુ સાથે રિસર્ચ કરવાની પણ વસ્તુ બની છે ! દુરદર્શનના રાજકોટ કેન્દ્રના નિયામક બાબાભાઈ પરમારને વિચાર આવ્યો કે ગાંઠિયા પર ડોક્યુમેન્ટરી ન બને ? અને બની ગઈ….. ગાંઠિયા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના ડૉ. મહેશ જોશી અને તેની ટીમે રિસર્ચ કર્યું તેના તારણો પણ ગાંઠિયા જેવા જ રસપ્રદ છે ! યુનિવર્સિટીએ જે સેમ્પલ સર્વે કર્યો તે મુજબ, ‘ભાવનગરી ગાંઠિયા મુંબઈમાં ઘાટકોપર, બોરીવલીમાં પણ મળે છે. ડર્બન, કેપટાઉન, મોમ્બાસા, કેન્યા અને લંડન વસતા લોકોની દાઢે પણ એ ચોંટ્યા છે. ભાવનગરમાં એક ફૂટ લંબાઈ હોય એવા ગાંઠિયા પણ બને છે. ફરસાણની દુકાનો, મગફળી, ડુંગરી-મરચાં ગાજર પકવતા ખેડૂતો માટે ગાંઠિયા રોજગારીનું માધ્યમ છે.’ ખરે, આ તો અભ્યાસુઓ માટેની વાત થઈ, પરંતુ વાત ખોટી નથી. લારીથી માંડીને મોટી મોટી દુકાનોમાં ગાંઠિયાનું ધમધોકાર વેચાણ છે. મોરારિબાપુ તો આખા ગાંઠિયાના પરિવારની વાત વિનોદમાં કહે છે. તેઓ કહે છે : “ગાંઠિયો પતિ, જલેબી મીઠી એટલે પત્ની (પણ જલેબી ગુંચળાવાળી હોય છે !) અને સંભારો મરચા તેના સંતાન – એમ જાણે કે ગાંઠિયા, મરચા અને સંભારાનું ટ્રસ્ટ રચાય છે !”
ગાંઠિયા સૌરાષ્ટ્રની પારિવારીક વાનગી છે, ફોક ફૂડ એટલે કે લોકખાણું છે. વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હોય છે. લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2007માં પણ અપાય છે. કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. જો કે, અન્ય વસ્તુઓની જેમ ફાફડા પેકેજિંગ હજુ એટલું શરૂ થયું નથી પરંતુ રાજકોટમાં બજરંગ ફરસાણે ફાફડાના પેકેટ શરૂ કર્યાં છે.
સૌરાષ્ટ્રમાં ગાંઠિયાની સાથે જ તેના ‘એડ ઑન’ ફૂડનું મહત્વ છે. એટલે જ દુકાનોમાં ગાંઠિયાના વજન પ્રમાણે જ સંભારો મળે છે કારણકે અહીં 200 ગ્રામ ગાંઠિયા સાથે 250 ગ્રામ સંભારો ચાવી જનારા શૂરવીરો પણ છે. નેતાઓ પણ અહીં ગાંઠિયા પ્રેમી છે. 70 કે તેથી વધુ વયના નેતાઓ અહીં 200 ગ્રામ ગાંઠિયા મોજથી ખાઈ શકે છે. ઘણા લોકોને ગાંઠિયામાં તબિયત બગડવાની શકયતા દેખાય છે ! અરે, તમારા પરમ પૂજ્ય પિતાશ્રીનો ભાલપ્રદેશ (મૂળઉક્તિ કપાળ તમારા….), પિત્ઝા, હોટડોગ, ફ્રેન્ચફ્રાઈ, બર્ગર કરતા ગાંઠિયામાં કેલેરી ઓછી હોય છે. ચંદ્રકાન્ત બક્ષીએ ગાંઠિયા વિશે લખ્યું હતું કે કાઠિયાવાડનો મહેનતકશ માણસ 100 ગ્રામ ગાંઠિયા ભરેલું મરચું સંભારો ખાઈને મહેનત કરવા ચાલ્યો જતો. ગાંઠિયો એ મહાન પ્રદાર્થ છે, જેણે આ ધરતીના શ્રમિકોની પેઢીઓને ગરીબીની રેખા નીચે પણ જીવતી રાખી છે. ગાંઠિયાનો સમાજવાદ કરોડપતિ અને કડકાને, મહાશ્રેષ્ઠિ અને મજદૂરને એક જ કતારમાં ઉભા કરી દે છે. ગાંઠિયાના શોધકે કાઠિયાવાડના દિશાહારા, વસ્તુહારા, સર્વહારાનું અર્થશાસ્ત્રનું ચલાવ્યું છે.
ગાંઠિયાનું ગણિત એવું કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રભવનના સર્વે મુજબ સૌરાષ્ટ્રમાં દુકાનોમાં પાંચ કિલોથી માંડીને 50 કિલો લોટના ગાંઠિયાનું દૈનિક વેચાણ થાય છે. ગાંઠિયાનું રૉ-મટીરીયલ, ચણાનો લોટ છે જેને કિંમત રૂ. 25 પ્રતિ કિલો, બેસનની કિંમત રૂ. 56ની છે અને ચણામાંથી ગાંઠિયા થતાં 300% મૂલ્યવૃદ્ધિ થાય છે. ફરસાણની દુકાનોમાં દૈનિક 10 કરોડની આવકનું સર્જન માત્ર ગાંઠિયાને કારણે થાય છે. જેને લીધે 15,000 લોકોને રોજગારી મળે છે !
તો વાચકમિત્રો, હવે સૌરાષ્ટ્ર તરફ આવો તો ગાંઠિયાનો સ્વાદ માણવાનું ચૂકશો નહિ…..!

                                                        (સૌજન્ય ;શ્રી જવલંત ભાઈ છાયા)

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...