કન્યાવિદાય – બાલમુકુન્દ દવે

Posted on સપ્ટેમ્બર 28, 2009. Filed under: દીકરી | ટૅગ્સ:, |

આજે ૨૮ સપ્ટેમ્બર મારી વ્હાલસોયી દીકરી ‘દિશા’ની ૨૫ મી વર્ષગાંઠ છે. થોડા સમય પહેલા સાસરે વળાવેલી વ્હાલસોયી ‘દિશા’ની યાદમાં આજે બાલમુકુન્દ દવેનો આ લેખ તેમના સૌજન્યસહ રજુ કરું છું.

સોડમાં લીધાં લાડકડી !
આંખ ભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
ને પારકાં કીધાં લાડકડી !

ક્યારામાં ઝપાટાભેર પાંગરી રહેલ તુલસીછોડની ઓળખાણ કલાપીએ આમ કહીને કરાવી છે : ‘પિતૃગૃહે જેમ વધે કુમારિકા.’ પિતૃકુલક્યારામાં આવી પાંગરી રહેલી તુલસીછોડ સમી શુચિત્વભરી પ્રત્યેક કુમારિકાને એક દિવસ આખી ને આખી મૂળ-માટી સોતી બીજા કુટુંબક્યારામાં રોપવાનો અવસર આવે છે. માંડવો બંધાય છે. ઢોલ-શરણાઈ વાગે છે. ગણેશપૂજન થાય છે. અંગે અંગે પીઠી ચડે છે. ચોરી ચીતરાય છે. મંગળફેરા ફરાય છે અને કોક પરદેશી પોપટડો આવીને બેનીબાને લઈ જાય છે !

ગૃહસ્થાશ્રમની આખી આયુષ્યયાત્રામાં કન્યાવિદાય જેવો કરુણમંગલ પ્રસંગ બીજો એક્કે નથી. જોશી મહારાજ પાસે લગ્નની તિથિ જોવડાવીને મુહૂર્ત નક્કી થાય ત્યારથી ઘરને ખૂણે ખૂણે હવે પરણીને પારકી થનાર દીકરીના પગની જ્યાં જ્યાં પગલીઓ પડે છે ત્યાં ત્યાં જાણે કંકુની ઢગલીઓ થતી આવે છે. હવે લગ્ન આડે ફક્ત આટલા દિવસ રહ્યા….. સાહેલીઓનાં વહાલ ને વિયોગ બેય ઘેરાં બનતાં આવે છે. મા અધરાતે-મધરાતે ઝબકીને દીકરીનું મોં જોઈ લે છે. દીકરીના શ્વાસે શ્વાસેથી જાણે સૂર ઊઠે છે : ‘અમે ચકલીઓના માળા, અમે કાલે ઊડી જઈશું….’

અડધી રાત આમ ઊંઘતી દીકરીનું મોં જોઈને અને અડધી રાત દીકરી માટે કરકરિયાવરની તૈયારી કરવાના વિચારમાં પૂરી કરીને મા સવારે ઊઠે છે. માના ચહેરા પર ઉચાટ અને ઉમંગ બેય વરતાઈ આવે છે. પણ બાપે તો બધી વેદના ભીતરમાં ભંડારી દીધી છે. એ અસ્વસ્થ થાય તો આ અવસર ઊકલે શી રીતે ? દીકરીના લગ્નની ઝીણીમોટી તૈયારીઓની ગણતરી એના મગજમાં રમે છે. ચૂડો-પાનેતર, કંકાવટી, માંચી-બાજોઠ, માયામાટલી…. એકે એક ખરીદાવા માંડ્યું; પણ હજી મૂળ મુદ્દો તો બાકી રહ્યો – દીકરી માટે દાગીના ! ચાલો દીકરી રતનપોળમાં, તમને ગમતો ઘાટ પસંદ કરી લો. સાથે સાડીસાલ્લાનું પણ પતાવી આવીએ. એક મોટી ટ્રંક અને એક નાની નાજુક ચામડાની બૅગ….. સરૈયાઓળમાંથી સેન્ટ-અત્તર…. અરે, પણ ચાવીઓ માટે ચાંદીનો ઝૂડો તો રહી ગયો. ચાલો પાછાં રતનપોળમાં….

હવે તો ગણતર વરધો જ બાકી રહી. ઘરનું રંગરોગાન પૂરું થયું. રસોડાનો સામાન, પૂજાપો, જાનનો ઉતારો બધું પાકું થઈ ગયું. છતાં દીકરીના બાપને થયું : લાવ એક આંટો વેવાઈને ત્યાં મારી આવું. જાનમાં કેટલા માણસો આવશે એ પાકું કરી આવું. બીજા વટવહેવારની વાતો પણ કરતો આવું. માંડવે વર આવે ને કંઈ વાંકું પડે તો વળી ફજેતી ! મનમાં આવા મણકા મૂકતા દીકરીના બાપ વેવાઈને ત્યાં જઈ બધું પાકું કરી આવ્યા. ઘેર આવીને ગોરને બોલાવ્યા. નજીકનાં સગાંસાગવાં આવ્યાં અને કંકોતરીઓ લખાઈ. દીકરીએ એની બહેનપણીઓ અને મિત્રમંડળમાં વહેંચવા પોતાની પસંદગીની ખાસ કંકોતરી છપાવી. માએ આડોશણ પડોશણોને કરિયાવર જોવા બોલાવી. ગોળધાણા વહેંચાયા.

હવે તો લગ્ન આડે આડી રાત જ રહી. મંડપને છેલ્લો ઓપ અપાયો. લાઈટ ડેકોરેશન થઈ ગયું. આંગણામાં છત્રીઘાટે ઊભેલી બોરસલીમાં નાની નાની લાઈટની આખી જાળ પથરાઈ ગઈ. જુવાન દીકરીના અંતરનાં અરમાનો જાણે એ બોરસલીનાં પાંદડે પાંદડે પ્રકાશી રહ્યાં ! ઢોલીડા આવ્યા. શરણાઈ ગુંજી ઊઠી. ચારે બાજુ આનંદમંગલ વરતાઈ રહ્યું. શૈશવમાં જે આંગણામાં દીકરી ખેલતીકૂદતી, ત્યાં ચોરીની સજાવટ થઈ. લગ્નની આગલી રાતે વડીલ વર્ગ તો ઊંઘ્યો જ નહીં. યાદ કરી કરીને બધી તૈયારી થઈ. સવાર પડ્યું. લગ્નમંડપમાં ગાલીચા પથરાઈ ગયા. પાનબીડાં અને ગુલાબના થાળ શગોશગ ભરાઈ ગયા. વરકન્યા માટે ખાસ બનાવડાવેલા મોટા હારના કરંડિયા આવી ગયા. વેણી ને ગજરા પણ આવ્યા.

… અને જાન આવી પહોંચી. સાસુએ વરરાજાને પોંક્યા. વરકન્યા માહ્યરામાં બેઠાં. ચાર આંખો મળી અને ઢળી. શરણાઈના મંગળ સૂર ગુંજી ઊઠ્યા. સૂરે સૂરે અંતરની લાગણીઓ અવળાસવળા આમળા લઈ રહી. ઢોલ ઢમકી રહ્યા. વરપક્ષની જાનડીઓ ઈડરિયો ગઢ જીત્યાના ગૌરવ સાથે ગીતો ગાઈ રહી. ગોર મહારાજે ‘વરકન્યા સાવધાન’નો પોકાર કર્યો. હસ્તમેળાપ થયા અને સહેલીઓ દબાતે અવાજે ગાઈ રહી : ‘પરણ્યાં એટલે પારકાં બે’ની….’

અને આખરે કન્યાને વળાવવાની વસમી ઘડી આવી પહોંચી. શરણાઈના સૂરના તડપન સાથે કન્યાના ઉરની ધડકન વધી રહી. પતિને અનુસરવું પ્રિય તો છે, પણ પિતૃગૃહની માયા કેમે છૂટતી નથી. ઘરની બારસાખે કંકુના થાપા મારતી વખતે તો અંતરની ધ્રુજારી જાણે આંગળીઓનાં ટેરવાંએ આવીને વસી. કંકુનો થાળ ધ્રૂજવા લાગ્યો. ઘર ધ્રૂજવા લાગ્યું. મંડપ ધ્રૂજવા લાગ્યો. આંગણાની બોરસલી ધ્રૂજવા લાગી…. શરણાઈના સૂર ઝૂરતા પાવામાં પલટાઈ રહ્યા, ઢોલનો ઢમકારો ધ્રાસકામાં પલટાઈ રહ્યો….. માબાપની માયા, સહિયરોનો સાથ…. પિયરનાં ઝાડવાંનું પાનેપાન પોકારી રહ્યું : ‘મત જા…… મત જા…..’

પણ કોઈ કન્યા રોકી રોકાઈ છે ? ઝાલી ઝલાઈ છે ? અને આ કન્યા પણ વિદાય થઈ ! દીકરીને લઈને જતી મોટર ઊપડી ત્યાં સુધી હાંફળીફાંફળી સાથે ડગ ભરતી, સાસરિયાંને દીકરીની સોંપણ કરતી, દીકરીને માથે-મોઢે હાથ ફેરવી રહેલી ડૂમાભરી માતા માટે ‘આવજે બેટા !’ એટલા શબ્દો બોલતાં બોલતાં તો બ્રહ્માંડ ડોલી જાય છે. કેમે કરી દીકરી છાતીએથી છૂટતી નથી. ‘મારી પંખણી….’, ‘મારું ફૂલ….’ એ શબ્દો ‘આવજો આવજો’ ના શોરબકોરમાં ડૂબી ગયા. મોટરે વેગ પકડ્યો, માના હૈયાના રતનને લઈને મોટર …એ….. દૂર ને દૂર…. ચાલી જાય…. માને આશ્વાસન આપવા સગાંસ્નેહીઓ વીંટળાઈ વળ્યાં. કોઈએ પાણી લાવીને આપ્યું. માને જરા શાતા વળી.

પણ દીકરીના બાપ ? અત્યાર સુધી કઠણ છાતી કરીને લગ્નનો અવસર જે ઉકેલી રહ્યા હતા – તે ક્યાં ગયા ? ઓશરીમાં જોયું. ઘરમાં જોયું. ક્યાંય નથી ! તો પછી ગયા ક્યાં ? દેવપૂજાની ઓરડીમાંથી એક ડૂસકું સંભળાયું. જઈને જોયું તો તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. દીવામાં હવે ઘી ખૂટવા આવ્યું હતું તેથી શગ ધ્રૂજી રહી હતી. એ ધ્રૂજતી શગના અજવાળામાં રુદન કરતા બાપના ચહેરાની એકએક રેખા પણ ધ્રૂજી રહી હતી. પાસે મોટો દીકરો પાણીનો પ્યાલો લઈને ઊભો હતો, પણ આંસુ આડે એને કોણ જુએ ? દેવની મૂર્તિ સાથે વાતો કરતા હોય એવો બાપનો કરુણ સ્વર સંભળાયો : ‘ભગવાન ! અલ્લડ વાછરડી જેવી મારી દીકરી… કોઈ દહાડો બાપડીએ કશી લીલીસૂકી જોઈ નથી… પારકા ઘરમાં શી રીતે સમાશે ?’ અને અત્યાર સુધી બાપે જાળવી રાખેલા ધીરજના આચ્છાદાનના સો સો લીરા વાતાવરણમાં ઊડી રહ્યા. ઉપરથી સ્વસ્થ દેખાતા બાપનાં હીબકાં કેમેય શમતાં નહોતાં : ‘મારી લાડકડી….’

દીવાનું ઘી ખૂટ્યું અને શગ એક છેલ્લી ધ્રુજારી સાથે હોલવાઈ ગઈ.

Advertisements
Read Full Post | Make a Comment ( 3 so far )

દિકરી વ્હાલ નો દરિયો

Posted on સપ્ટેમ્બર 6, 2009. Filed under: દીકરી | ટૅગ્સ: |

સંસારમાં સૌથી કરુણ, લાગણીભર્યું અને હૃદયને હચમચાવી મૂકે એવું દ્રશ્ય છે કન્યાવિદાય

                કવિ અનિલ જોશીનું ‘કન્યાવિદાય’ વિશેનું એક કાવ્ય છે

‘‘લીલુડાં પાંદડાની ઉછળતી વેલ

હવે કંકુનાં પગલાં દઈ ચાલી,

રાખડીના તાંતણે બાંધેલું ફળિયું

હવે લાગે છે સાવ ખાલી ખાલી!’’

કાવ્ય કે કોઈપણ કૃતિને બે રીતે સમજી શકાય છે  એક તો એનો સીધો શબ્દાર્થ કે ચોટદાર અભિવ્યક્તિના કારણે હૃદયમાં જાગતો પ્રતિભાવ અને બીજી રીત છે સ્વાનુભૂતિની. વ્યક્તિ પોતે જ એ અનુભવમાંથી પસાર થાય અને આપણી પોતાની અનુભૂતિ જ એને અર્થ આપે તો એ અર્થમાં આપોઆપ ઊંડાણ આવી જાય છે.

કાળજાના કટકા જેવી દીકરીને જેણે પોતાના ઘરમાંથી વિદાય આપી હોય એવા માબાપને અને ભાઈભાંડુને જ ખ્યાલ આવે છે કે દીકરી કે બહેનના ગયા પછી ઘર કેટલું ખાલી ખાલી લાગે છે!

જે દીકરીને નાનપણમાં ઊંચકી ઊંચકીને ફર્યા હોઈએ, પીઠ અને માથું પંપાળીને રોજેરોજ એને નિદ્રાદેવીની ગોદમાં સોંપી હોય, જેની નાની નાની વાતની મનમાં ઊંડે સુધી નોંધ લીધી હોય એ જ દીકરી જ્યારે મોટી થાય, મા-બાપ સિવાયના કોઈ નવા સંબંધ અને સ્પર્શ માટે વલખે, સપનાના કોઈ રાજકુમારનો હાથ પકડી એની સાથે છેડા બાંધે અને પિયરપક્ષના ઊડા-મીઠા સંબંધોને છોડી કોઈ એક અજાણ્યા પુરુષનો હાથ ઝાલી જીવનની એક નવી યાત્રા આરંભે ત્યારે માનવ સંબંધોની આવી અટપટી ફૂલ ગૂંથણી માટે પરમાત્મા સામે નમ્યા વિના છૂટકો જ નથી.

‘દીકરી’ એ કોઈ કોરો સંબંધ નથી. સંબંધો તો અનેક હોઈ શકે. લાગણીના અને લાગણી વિનાના પણ સંબંધો હોય છે. જ્યારે દીકરી તો નર્યું વ્હાલ છે. એ મખમલી અહેસાસને હૂબહૂ કોઈ શબ્દ કે નામમાં સમાવી શકાતો નથી. બસ એને જીવી શકાય છે. હૃદયના કોઈક ખૂણે પ્રેમથી છલોછલ ભરેલા એ અહેસાસને અનુભવી કે પી શકાય છે.

દીકરી ઘરમાંથી વિદાય થાય, પિતાનું ઘર છોડી સાસરે જાય ત્યારે ઘરનો ખૂણે ખૂણો રડી ઊઠે છે. એક જ દીકરી સાથે જીવતાં મા-બાપનું તો આખું ઘર જાણે ખાલી થઈ જાય છે. એ લોકો એકલા એકલા પછી કરેય શું? – દીકરીનો ચહેરો, દીકરીનો ટહૂકો ને નદી કે ઝરણાની જેમ ઉછળકૂદ કરતી દીકરીની વિદાય પછી આખું ઘર સૂમસામ, ખાલીખમ અને ઉદાસ બની જાય છે.

અપાર ઝંખના સાથે જેના જન્મ માટે પ્રાર્થના કરી હોય, નવ નવ મહિના જેને જીવની જેમ સાચવીને પેટમાં રાખી હોય, ભરપૂર વ્હાલ અને લાગણી સાથે જેને ઉછેરી હોય એવી દીકરી મોટી થઈને માનો પાલવ છોડી – સાસરિયે જવા માટે વિદાય માગે, માના ગળે વળગીને રડે, પિતાને ભેટીને આંસુ વહાવે, ઘરના તમામ નાના મોટા સ્વજનોની વિદાય લે. જ્યાં પોતાનું બચપણ વીત્યું છે એવા આંગણાને નજર ભરીને જોઈ લે, ત્યારે ભલભલાની આંખમાં આંસુ આવી જતાં હોય છે. કન્યાવિદાયનું દ્રશ્ય સંસારમાં સૌથી કરુણ, લાગણીભર્યું અને હૃદયને હચમચાવી મૂકે એવું હોય છે.

કોઈ એક અજાણ્યા ઘરમાં જઈને અજાણ્યા લોકોને પોતાના બનાવી, ત્યાંના વાતાવરણમાં સેટ થવું, પોતાની આગળની ઓળખાણને ભૂલી એક નવા જ પરિવારમાં નવી ઓળખાણ સાથે જીવવું એ અઘરું કામ છે. માત્ર દીકરી જ આ કામ કરી શકે. આ કામ સંન્યાસી જેવું છે. સંન્યાસી જેમ પોતાનું જૂનું નામ, જૂની ઓળખ એ બધાને ભૂલી નવા નામ અને નવી ઓળખ સાથે જીવે છે એમ સાસરે જતી દીકરી પણ સાચા અર્થમાં એક સંન્યાસિની જ છે. એના આ સંન્યાસને સન્માનની નજરે જોવો જોઈએ. લગ્ન પછી દીકરી દ્વિજ બને છે. આ રીતે એનો નવો જન્મ થાય છે.

લોકો દીકરીને દરિયા સાથે સરખાવે છે પણ દરિયો તો ખારો ધૂઘવાર હોય છે. અંજલિભર પાણી પણ એમાંથી પી શકાતું નથી. તરસથી તરફડિયાં મારતા માણસને દરિયો ક્યારેય તૃપ્ત કરી શકતો નથી. એ માટે તો નાનકડું ઝરણું કે ખળખળ વહેતી નદી જ શોધવી પડે. દીકરી નાની હોય ત્યારે ખળખળ વહેતા ઝરણા જેવી હોય છે અને મોટી થાય ત્યારે મહાસાગરની શોધમાં નીકળી પડેલી સરિતા જેવી હોય છે. નદીનાં જેમ અનેક રૂપ હોય છે તેમ દીકરીનાં પણ અનેક રૂપ આપણને જોવા મળતાં હોય છે. ક્યારેક એ ઉછળતી-કૂદતી કન્યા જેવી તો ક્યારેક લગ્નના મંડપમાં બેઠેલી શરમાળ, ધીરગંભીર નવયૌવના જેવી. નદી જેમ કાંઠા-કિનારાના અનેક લોકોને જીવન આપે છે તેમ દીકરી પણ આખા પરિવારને અને આસપાસના સગાસ્નેહીને વ્હાલ અને મીઠાશથી ભરી દેતી હોય છે. નદી પોતાના ઉદ્ભવને છોડી સાગરની શોધમાં નીકળી પડે છે તેમ દીકરી પણ પિયરના વ્હાલને પાલવમાં ભરી સાસરિયાની વાડીને લીલીછમ્મ રાખવા નીકળી પડતી હોય છે.

દીકરી જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી એ દીકરીનું સુખ આપે છે અને પરણે ત્યારે દીકરા જેવા એકબીજા પાત્ર -(જમાઈ)ને પણ પરિવારમાં ઉમેરે છે. પરણ્યા પછી પણ મા-બાપનું ઘ્યાન રાખતી અને મા-બાપની ચિંતા કરતી દીકરીઓ મેં અનેક જોઈ છે.

દીકરામાં રસ હોય એમને ત્યાં ભલે એક કે એકથી વઘુ દીકરા હોય પણ જો એ ઘરમાં એક પણ દીકરી નથી તો એ ઘર અઘૂરૂં અને અંધારિયું છે. દીકરી ઘરમાં રંગ, રોશની અને ગીતસંગીતને લાવે છે. મેં મારી દીકરી(દિશા)ના જન્મ અને ઉછેર દરમિયાન આ બઘું અનુભવ્યું છે.

Read Full Post | Make a Comment ( None so far )

દીકરી સૌની લાડકવાયી

Posted on સપ્ટેમ્બર 4, 2009. Filed under: દીકરી | ટૅગ્સ: |

d;sha

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
મમ્મીનો એક હાથ છે  દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
પપ્પા-મમ્મી ની ‘દિશા’ દિકરી

Read Full Post | Make a Comment ( None so far )

લગ્નની વિદાય સમયનું રુદન…..

Posted on ઓગસ્ટ 20, 2009. Filed under: દીકરી | ટૅગ્સ: |

હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન….
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.

Read Full Post | Make a Comment ( 2 so far )

વડીલો ના વાંકે (નાટક)

Posted on જુલાઇ 31, 2009. Filed under: સંભારણા | ટૅગ્સ: |

જે ઘેર દીધી દીકરી ત્યાં માન કે અપમાન શા?
મારી અને રોવું પડે તે બળ તણા અભિમાન શા ?
ગળવા રહ્યા છે ઘૂંટડા,મ્હેણાં સાંભળવા રહ્યા
દીકરી ના બાપ ના માથા સદા હળવા થયા

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...