પાણીપુરીથી સ્વર્ગપુરી કેટલું દુર?

Posted on ઓગસ્ટ 15, 2009. Filed under: ખાણી પીણી | ટૅગ્સ:, , |

pani puri

પુરાણોમાં પુરીના અનેક પ્રકારો વર્ણવ્યા છે. એકમાં અલકાપુરી, ચાણક્યપુરી, ઈન્દ્રપુરી વગેરે આવે છે. આ બધા પીનકોડવાળા/પીનકોડ વગરના વીસ્તારો છે. પુરીનો બીજો પ્રકાર છેઃ મદન પુરી, અમરીશ પુરી, ઓમ પુરી ઈત્યાદી. ત્રીજી જાતમાં કંદપુરી (રતાળુના ભજીયાં), રીંગણપુરી (રીંગણનાં ભજીયાં) વગેરે આવે છે; પણ આ સઘળા પ્રકારોમાં શીરમોર છે પાણીપુરી. અઠંગ પ્રેમીઓ તેને પકોડીપુરી, પુરીપકોડી, ગોલગપ્પા જેવાં નામે પણ ઓળખે છે.

        જમીનમાંથી પાણી શોધી કાઢતા લોકો ‘પાણીકળા’ કહેવાય છે. એ રીતે અમુક લોકો ‘પાણીપુરીકળા’ હોય છે.  ગમે તેવી અજાણી જગ્યાએ તેમને લઈ જવામાં આવે તો પણ એ પાણીપુરીનો એકાદ ખુમચો શોધી કાઢે છે. પાણીપુરીની ખરી લીજ્જત ઉભા રહીને ખાવામાં છે. બુફે ડીનરના વીરોધીઓ અને ‘બેસીને ખાધા વીના મને તો સંતોષ જ ન થાય’ એવું માનનારા રુઢીચુસ્તો પણ પાણીપુરીને અપવાદરુપ ગણે છે. તેમના લાભાર્થે જાહેર રસ્તાની કોરે, વાહનની અવરજવરથી અલીપ્ત, ‘ભીડ વચ્ચે એકલા’ ભૈયાજી, લારી કે ખુમચા સાથે હાજરાહજુર હોય છે.

        પાણીપુરી ખાનાર બે પ્રકારના હોય છે. ‘ચાલો, પાણીપુરી ખાવા જઈએ’ એવું નક્કી કરીને નીકળેલા લોકો ભૈયાજીના સંભવીત લોકેશન વીશે જાણતા હોય છે. બીજા પ્રકારના લોકો ‘ઈમ્પલ્સીવ ઈટર’ હોય છે. શાંત બેઠેલું કુતરું, પાઘડીવાળા માણસને જોઈ અચાનક ભસવા માંડે, તેમ પાણીપુરીનો ખુમચો જોઈને બીજા પ્રકારના લોકોના મનમાં ખળભળાટ જાગે છે. પોતાના હૃદયના ‘પાણી’માં હાથ નાખીને કોઈ હલાવતું હોય એવી અનુભુતી તેમને થાય છે. મનમાં ગળી ચટણી અને ફુદીનાવાળા પાણીનો સ્વાદ રેલાય છે. આખી પુરી હાથમાં લઈને અંગુઠાના એક પ્રહારથી તેનું ટોપકું તોડી નાખતા ભૈયાજીનું રમ્ય ચીત્ર મનમાં ખડું થાય છે. બાફેલા ચણા-વટાણા-બટાકાના માવામાં મસ્ત મસાલાની સુગંધ…! એ સાથે જ અંતરાત્મા પોકારી ઉઠે છે, ‘(પાણીપુરી ખાધા પછી) કૉલેરા-ટાઈફૉઈડના મોતે મરીશ; પણ પાણીપુરી ખાધા વીના આગળ નહીં વધું.’

         સરહદ પર લડનાર કોઈ પણ વ્યક્તી ‘જવાન’ હોય છે, તેમ પાણીપુરીનો ખુમચો-લારી લઈને ઉભેલો કોઈ પણ પ્રાંતનો રહેવાસી ‘ભૈયાજી’ કહેવાય છે. તેમની સાથે હીન્દીમાં વાત કરવાનું ફરજીયાત ગણાય છે, એ ફરજમાંથી ‘ભૈયાજી, એક મોરી દેના’(મોળી એટલે પાણી વગરની, મસાલો ભરેલી પુરી) જેવાં ફ્યુઝન વાક્યો જન્મે છે.

         ભૈયાજીનું સ્થાનક ચાહે લારી હોય કે ખુમચો, એ માખીઓ અને માણસોના શાંતીપુર્ણ સહઅસ્તીત્વની ભાવના ચરીતાર્થ કરનારું હોય છે. નવો ઘરાક ત્યાં જઈને ઉભો રહે એટલે થોડો સમય તેણે ઠંડી ઉપેક્ષાનો સામનો કરવો પડે છે, કેમ કે ભૈયાજી આગળના ગ્રાહકને ‘પતાવવા’માં બીઝી હોય છે. એ યાંત્રીક રીતે પુરીઓ તૈયાર કરીને, પાણીમાં ડબોળીને, ગ્રાહકે હાથમાં પકડેલી પ્લેટમાં મુકતા જાય છે. ગ્રાહક બસ કરે, એટલે ભૈયાજી એક હાથે બાફેલા બટાકા અને ચણા-વટાણાનો નવો મસાલો બનાવતાં, નવા ગ્રાહકની સામે આવકાર અને પ્રશ્નાર્થમીશ્રીત નજરે જુએ છે. ત્યાં સુધી પાણીની અને મસાલાની સુગંધથી ઉશ્કેરાયેલો ગ્રાહક મહાપરાણે મનને સમજાવે છે, ‘ધીરજ ધર, હે મન ! આ ખાઉધરો બંધ થાય એટલે તારો જ વારો છે.’

         પાણીપુરીની પુર્વતૈયારી તરીકે ભૈયાજી હાથમાં એક પ્લેટ પકડાવે છે, જેને ચોખ્ખી કહેવામાં ચોખ્ખાઈનું અને ગંદી કહેવામાં ભૈયાજીનું અપમાન થવાની ભીતી હોય છે, ‘આપણે પ્લેટમાં ક્યાં દાળ-ભાત ખાવાં છે કે તેની ચોખ્ખાઈની ચીંતા ? આપણે તો તેનો પાણીપુરી મુકવા પુરતો જ ઉપયોગ કરવો છે ને !’ અંતરાત્મા સાથેનો આ સંવાદ પુરો થાય ત્યાં સુધીમાં ભૈયાજીનો હાથ મશીની ઝડપે પુરીને તોડીને, તેમાં મસાલો પુરીને, પાણીમાં ઝબોળીને પ્લેટમાં મુકી દે છે. આતુર બનેલો ગ્રાહક એ પુરીને  એટલી જ ઝડપે પ્લેટમાંથી મોંમા પધરાવે છે.

         પાણીપુરી બનાવવા જેટલી જ મોટી કળા પાણીપુરી આરોગવાની છે. ઘરાક પ્લેટમાંથી મોંમાં પુરી મુકવા જાય એ દરમીયાન, કેટલીક એક્સ્ટ્રા લાર્જ અથવા નાજુક બદન  પુરીઓ મસાલા-પાણીનો ભાર ખમી ન શકવાથી અધવચ્ચે ફસડાઈ પડે છે. તેનો કાટમાળ ડીશમાં રેલાય છે. ‘મોં અને કોળીયા વચ્ચેનું અંતર’ ફીલસુફી નહીં; પણ વાસ્તવીકતા છે તેનો અહેસાસ પાણીપુરીને ખુમચે થઈ શકે છે. પાણીપુરીને અખંડ સ્વરુપે સુખરુપ મોમાં સમાવવાનું કામ દેશી રાજ્યોના વીલીનીકરણ જેવું અઘરું લાગે છે. પાણીની તીખાશ, પુરીની મોટી સાઈઝ, પુરીમાંથી નીતરતાં પાણીનાં ટપકાં – આ બધાં પરીબળો પુરીને હૈદરાબાદના નીઝામ જેવી બનાવે છે. દરેક વખતે ભૈયાજી પુરી મુકવા માટે હાથ લંબાવે ત્યારે એ પુરી નહીં; પણ પડકાર આપતા હોય એવું લાગે છે.

         પાણીપુરી જોઈને મોંમાંથી અને તેને આરોગ્યા પછી આંખમાંથી પાણી છુટે છે. ખાનારની વાતચીતમાં વીરામચીહ્નોની જગ્યાએ સીસકારા આવી જાય છે, ‘સ્સ્સ્સ્સસ…… કીતને કી હુઈ…. સ્સ્સ્સ્સસ…?’ ભૈયાજી પુછે છે, ‘સત્તર કી, બીસ કી કર દું ?’ ‘સ્સ્સ્સ્સસ…… હા… પણ મીડીયમ બનાના… સ્સ્સ્સ્સસ…’ જવાબમાં ભૈયાજી કહે છે, ‘યે મીડીયમ હી હૈ. કહો તો લાઈટ બનાઉં.’ સીસકારા ફક્ત તીખાશમાં જ હોય છે એવું માનનારા ભીંત ભુલે છે. હકીકતમાં, પાણીપુરીનો જલસો ઉડાવતી વખતે મનમાં તેની સંખ્યા ગણવાનું કામ ચાલુ હોય છે. પાણીપુરીના પરમાનંદની સાથે તેની સંખ્યા ગણવા જેવું ક્ષુલ્લક કામ કરવાની મજબુરી ઘરાકના મનમાં વેદના અને જીભે સીસકારા પેદા કરી શકે છે. ઘરાક દાવ ડીક્લેર કરે ત્યાર પછી એક મસાલાવાળી અને એક સાદી પુરીથી પાણીપુરી-ભક્ષણના કાર્યક્રમનું સમાપન થાય છે. તૃપ્તી અનુભવતાં ઘરાક કહે છે, ‘થોડી તીખી હતી; પણ મસ્ત હતી.’

         પાણીપુરી જેવી લોકભોગ્ય વાનગી આરોગવામાં અનેક સમસ્યાઓ નડી શકે છે. તેની પીતરાઈ જેવી ભેળપુરી, સેવપુરી કે દહીંપુરી ડીશમાં પીરસી શકાય છે અને ચમચી વડે ખાઈ શકાય છે; પરંતુ પાણીપુરી ‘લાઈવ’ ખાવાની જ આઈટેમ છે. એટલે બીજી પુરીઓ અને પાણીપુરી વચ્ચે ‘પ્રી-રૅકૉર્ડેડ’ અને ‘લાઈવ’ કાર્યક્રમો જેટલો તફાવત રહે છે. ‘સ્વદેશી’પ્રેમીઓ પીત્ઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફુડના સ્વદેશી વીકલ્પ તરીકે પાણીપુરીને સહેલાઈથી પ્રોજેક્ટ કરી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક હીસ્સામાં પાણીપુરીને ભારે અહોભાવથી જોવામાં આવે છે. અલબત્ત, તેના માટે લોકોનો સ્વદેશપ્રેમ નહીં, પણ ‘આ ચીજમાં કેટલું બધું પાણી વપરાય છે !’ એવો અહોભાવ કારણભુત હોઈ શકે.

         પાણીપુરી અને ગંદકીને સમાનાર્થી ગણતા લોકોના લાભાર્થે ઘણાં શહેરોમાં ‘હાઈજેનીક પાણીપુરી’નો વાયરો ચાલ્યો છે. પાણીપુરી ખાવી અને હાઈજીનની  ચીંતા કરવી એ ‘હસવું અને લોટ ફાકવો’ જેવો શબ્દપ્રયોગ કહેવાય. પાણીપુરી હાઈજેનીક હોઈ શકે તો હાઈજેનીક ખુમચો, હાઈજેનીક ધુળ, હાઈજેનીક પરસેવો, હાઈજેનીક કચરો… શક્યતાઓ અનંત છે.  હાઈજેનીક પાણીપુરી બનાવનાર ભૈયાજી હાથમાં ગ્લવ્ઝ પહેરે છે અને ડોયાથી પુરીમાં પાણી રેડે છે. આ રીતે પાણી પુરીમાં જતું હશે; પણ પાણીપુરી ખાવાનો રોમાંચ પાણીમાં જતો રહે છે.

       હાઈજેનીક ભૈયાજીના હાથમાં રહેલાં ગ્લવ્ઝને રોજ સ્ટરીલાઈઝ કરવામાં આવતાં હશે, એવી શ્રદ્ધા રાખવાથી આખું દૃશ્ય બહુ હાઈજેનીક બને છે. કેટલાક હાઈજીન-ઘેલાઓને પાણીપુરી કરતાં ગ્લવ્ઝને કારણે વધારે મઝા પડે એવું પણ બને છે. નજીકના ભવીષ્યમાં કોઈ હાઈજેનીક ભૈયાજી પોતે ગ્લવ્ઝ પહેર્યા પછી ગ્રાહકને પણ ગ્લવ્ઝ પહેરાવીને પાણીપુરી પીરસશે તો નવાઈ નહીં લાગે.

Advertisements
Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...